
દાહોદ,કડાણાથી દાહોદ જતી પાણીની પાઈપ લાઈનમાં દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના બારીયાની હથોડ ગામે ભંગાણ સર્જાતા ભર ઉનાળે દાહોદ જીલ્લાવાસીઓને પાણીના કકડાળનો વધુ સામનો કરવો પડી શકે છે. આ પાણીની પાઈપ લાઈનમાં ભંગાણને કારણે લાખ્ખો લીટર પાણીનો વેડફોટ થઈ રહ્યો છે. સંલગ્ન તંત્ર દ્વારા આ મામલે હાલ સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેથી ભરઉનાળે પાણી માટે વલખા મારતાં દાહોદ જીલ્લાવાસીઓને પાણી માટે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જ્યાં જુઓ ત્યાં ભરઉનાળે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. સરકારની નળ સે જળ યોજના પણ ફારસરૂપ સાબીત થઈ રહી છે. સરકારની આ યોજના માત્ર કાગળ પર હોવાની છડેચોક બુમો ઉઠવા પામી છે. નળ સે જળ યોજનાની કામગીરીમાં પણ મોટા પ્રમાણમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચવવામાં આવ્યાં હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. શહેરી વિસ્તારોથી લઈ ગ્રામીણ વિસ્તારોમાં નળ સે જળ યોજના અંતર્ગત પાણીની પાઈપ લાઈનો તેમજ નળો તો નાંખી દેવામાં આવ્યાં છે પરંતુ નળ માંથી માત્ર હવા આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. પાણી આવતું નથી. ત્યારે આવા સમયે દાહોદ જીલ્લાવાસીઓને પાણી માટે મુશ્કેલી વધી શકે તેમ લાગી રહ્યું છે. કડાણાથી દાહોદ જતી પાણીની પાઈપ લાઈનમાં ફતેપુરા તાલુકાના બારીયાની હથોડ ગામે ભંગાણ સર્જાયું છે. લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બારીયાની હથોડ ગામેથી કડાણાથી દાહોદ જતી પાણીની પાઈપ લાઈન પસાર થાય છે. આ પાણીની પાઈપ લાઈનમાં ક્યાં કારણોસર ભંગાણ સર્જાયું તે જાણી શકાયું નથી. હાલ સુધી પણ ભંગાણ સર્જાયેલ પાણીની પાઈપ લાઈનનું સમારકામ કરવામાં આવ્યું નથી. ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઈને આ ભંગાણને તાત્કાલિક રીપેર કરવામાં આવે અને આ પાણીનો વેડફાટ થતો અટકાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.