હાલોલ શાકમાર્કેટમાં આડેધડ ટ્રાફિકને અડચણરૂપ લારીઓ સામે કાર્યવાહી

હાલોલ, હાલોલ શહેરના નવા શાકભાજી માર્કેટ ખાતે રોડ રસ્તાની વચ્ચોવચ્ચ પણ કેટલાક લોકો દ્વારા શાકભાજીની અને ફ્રુટ સહિતની લારીઓ તેમજ પથારાઓ ગોઠવી દબાણ કરી ટ્રાફિકજામની પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે છે. જયારે કેબિનો અને દુકાનોની આગળ માલ સામાન બહાર કાઢી દબાણો કરાય છે. જેને લઈ શાકમાર્કેટમાં અવર જવર કરતા લોકો સહિત ખરીદી કરવા આવતી ગૃહિણીઓને છુટછાટથી ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે. તથા રસ્તાની વચ્ચે તેમજ રોડની સાઈડ ઉપર આડેધડ પાર્કિંગ કરી કલાકો સુધી ટ્રાફિકજામ સહિતની અનેક સમસ્યાઓ વર્ષોથી ઉત્પન્ન થઈ રહી છે. તેવા સંજોગોમાં હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કેતન ચોૈધરીએ છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત રસ્તાઓની વચ્ચે લારી તેમજ પથારા કરતા તેમજ દુકાનો અને કેબિનોની બહાર માલસામાન મુકી રસ્તા પર અવરોધ અને અડચણ ઉભી કરતા લોકો સામે ટાઉન પોલીસે દંડનીય તેમજ કાયદાકિય કાર્યવાહી કરી 283ની કલમ મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. તથા રોડની વચ્ચોવચ તેમજ સાઈડોમાં આડેધડ વાહનો પાર્કિંગ કરી ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંધન કરતા તત્વો સામે પણ કાયદાકિય તેમજ દંડનીય કાર્યવાહી કરી છે. જયારે હાલોલ નગરના શાકમાર્કેટ ખાતે પોલીસે રોડની વચ્ચોવચ ઉભી રહેતી લારીઓ પથારા અને વાહનો હટાવી શાકભાજીની ખરીદી કરવા આવતી ગૃહિણીઓ સહિત અન્ય લોકો માટે રોડ રસ્તા પર ચાલવા લાયક ખુલ્લા થતાં સહું કોઈએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.