શ્રીનગર, શ્રીનગરમાં જી ૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ હતો . ટુરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક દરમિયાન જી ૨૦ પ્રતિનિધિઓએ ક્રાફ્ટ માર્કેટમાં ખરીદી કરી હતી. બીજા દિવસની બેઠક દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિંહાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ટૂંક સમયમાં વિશ્ર્વના ટોપ ૫૦ પર્યટન સ્થળોમાં સ્થાન મેળવશે.
આ બેઠકમાં ચીન, સાઉદી અરેબિયા, તુર્કી, ઈન્ડોનેશિયા અને ઈજીપ્તે ભાગ લીધો ન હતો, પરંતુ કાશ્મીરના યુવાનોને વિશ્ર્વાસ છે કે આ બેઠક બાદ કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે. બીજી તરફ, ૨૨ મેના રોજ શ્રીનગર પહોંચેલા અન્ય વિદેશી પ્રતિનિધિઓનું એરપોર્ટ પર પરંપરાગત પોશાકમાં કાશ્મીરી યુવતીઓએ સ્વાગત કર્યું હતું.ડેલિગેડ્સને નિશાત ગાર્ડન, ચશ્મા શાહી, પરી મહેલ, કાશ્મીર આર્ટ એમ્પોરિયમ અને પોલો વ્યુ માર્કેટ સહિતના સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા.
શ્રીનગરમાં જી ૨૦ ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બીજા દિવસની બેઠકમાં એલજી મનોજ સિન્હાએ પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર હંમેશા જ્ઞાન અને આકર્ષક નજારોનું કેન્દ્ર રહ્યું છે. ૩૦ વર્ષથી તેની શાંતિને પડોશી દેશો દ્વારા ફેલાવવામાં આવેલા આતંકને કારણે અસર થઈ છે.
કાશ્મીરના શ્રીનગરમાં જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકના પ્રથમ દિવસે બેઠક બાદ પ્રતિનિધિઓએ રાત્રે દલ તળાવની મુલાકાત લીધી હતી. વિદેશી મહેમાનો પણ કાશ્મીરની પ્રખ્યાત શિકારા બોટમાં બેઠા હતા. આ મીટિંગમાં વિદેશથી આવેલા મહેમાનો ઉપરાંત દક્ષિણના અભિનેતા રામચરણ તેજાએ પણ ભાગ લીધો હતો.