શિરડી મંદિરની વાર્ષિક આવક ૯૦૦ કરોડ: કોવિડ પૂર્વેનો રેકોર્ડ તોડયો

મુંબઈ, શિરડી ના સાઈ બાબા મંદિરની વાર્ષિક આવક વધીને ૯૦૦ કરોડ થઈ ગઈ છે. કોવિડ પૂર્વે તેની વાર્ષિક આવક ૮૦૦ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આમ, મંદિરની આવકનો જૂનો રેકોર્ડ તૂટયો છે. આ આવકમાં ૨૦૦ કરોડ તો મંદિર પરિસરમાં મૂકેલી દાન પેટીમાં રોકડ પેટે જ મળ્યા છે.

કોવિડ વખતે લાંબા સમય સુધી મંદિર બંધ રહ્યું હતું. એ પછી પણ મંદિરના દરવાજા ખૂલ્યા ત્યારે સરકારે મર્યાદિત સંખ્યામાં ભક્તોને પ્રવેશની જ મંજૂરી આપી હતી. એક તબક્કે તો મંદિરની આવક ૪૦૦ કરોડના તળિયે પહોંચી ગઈ હતી. પરંતુ, પાછલાં નાણાંકીય વર્ષમાં મંદિરમાં ભક્તોની સંખ્યા બેસુમાર વધી હતી. તમામ નિયંત્રણો દૂર થતાં ભક્તોનો ફૂટફોલ વધ્યો હતો. એક દિવસમાં સરેરાશ ૬૦ હજાર ભક્તોએ દર્શન કર્યાં હોવાનો અંદાજ છે. કોવિડનાં ત્રણ વર્ષને લીધે જે લોકો શિરડી ન હતા આવી શક્યા તેઓ પણ આ સમયગાળામાં દર્શને આવ્યા હતા. આથી મંદિરમાં ફૂટફોલ તથા દાન થકી મળતી આવકમાં ધરખમ વધારો થયો હતો.

મંદિર સંકુલમાં મૂકાયેલી દાન પેટી દ્વારા ૨૦૦ કરોડ રોકડા મળ્યા છે. આ ઉપરાતં ઓનલાઈન તથા દાગીનાની ભેટ વગેરે પણ આવક રુપે મળે છે. મંદિરે ૨૫૦૦ કરોડ રુપિયા તો બેક્ધ થાપણો પેટે જમા કરાવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા બેંકો સાથે વાટાઘાટો કરી નોર્મલ વ્યાજ દરો કરતાં બે ટકા વધારે વ્યાજ મેળવવામાં આવે છે. આ વ્યાજ પણ ફરી ડિપોઝિટ જ કરી દેવામાં આવે છે.

જોકે, મંદિર કમિટીને એક વર્ષમાં ૮૦૦ કરોડની જાવક પણ છે. મંદિરના તમામ શ્રદ્ધાળુઓને વિના મૂલ્યે ભોજન અપાય છે. આ ઉપરાંત મંદિર વતી બે હોસ્પિટલનું પણ સંચાલન થાય છે. મંદિરમાં સિક્યોરિટી ઉપરાંત અન્ય વ્યવસ્થાઓ માટે આશરે સાત હજાર જેટલા કર્મચારીઓ છે. તેમાંના કેટલાક કર્મચારીઓ કાયમી ધોરણે તો કેટલાક કોન્ટ્રાક્ટ પ્રથા પર આધારિત છે. તેમના પગાર સહિતનો પણ મોટો ખર્ચ છે. મંદિર કમિટી દ્વારા આ જ આવકમાંથી ચાર શૈક્ષણિક સંસ્થાઓનું પણ સંચાલન હાથ ધરવામાં આવે છે.