ડિબ્રુગઢ જેલમાં બંધ અમૃતપાલ સિંહને પડી શકે છે મુશ્કેલીઓ!

ડિબ્રુગઢ, રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમની ટીમ અમૃતપાલ અને તેના સહયોગીઓને મળવા પહોંચી હતી. આ દરમિયાન અમૃતપાલ અને તેના સહયોગીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ’વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહ તેના નવ સાથીઓ સાથે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. અમૃતપાલ અને તેના સહયોગીઓની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ દરમિયાન અમૃતપાલ અને તેના સાથીઓને પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા અને બધાના અલગ-અલગ નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેની માહિતી માત્ર ગુપ્ત રાખવામાં આવી છે. હાઈકોર્ટના પૂર્વ નિવૃત્ત જસ્ટિસ શબીહુલ હસનૈન આ એનએસએ બોર્ડની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ સિવાય બોર્ડના સભ્યોમાં સુવીર સિયોકંદ, દિવ્યાંશુ જૈન, પંજાબ પોલીસના આઈજી રાકેશ અગ્રવાલનો સમાવેશ થાય છે.

અમૃતપાલ સિંહ સિવાય તેના નવ સાથીઓ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા અને ખાલિસ્તાની ગતિવિધિઓને લઈને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ડિબ્રુગઢ જેલમાં બંધ છે. અમૃતપાલની નજીકના પપલપ્રીતને પણ ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યો હતો. અમૃતપાલ પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી. પપલપ્રીતની ૧૦ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અમૃતપાલની ૨૩ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. લગભગ ૩૬ દિવસથી અમૃતપાલ પંજાબ પોલીસ માટે માથાનો દુખાવો બનાવી રહ્યો હતો. આખરે જરનૈલ સિંહ ભિંડરાનવાલાના ગામના રોડે અમૃતપાલની ધરપકડ કરવામાં આવી.

થોડા દિવસ પહેલા જ અમૃતપાલના માતા-પિતા પણ તેને મળવા ડિબ્રુગઢ જેલ પહોંચ્યા હતા. આ દરમિયાન અમૃતપાલની માતા બલવિંદર કૌરે કહ્યું હતું કે તેમનો પુત્ર ચડ્ડીકલા જેલમાં છે. માતા-પિતાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે અમૃતપાલ અને તેના સાથીઓને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. તે પહેલા અમૃતપાલની પત્ની કિરણદીપ કૌર પણ અમૃતપાલને મળવા પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ પહેલા જ જાહેરાત કરી છે કે તે અમૃતપાલ ઘટનામાં ધરપકડ કરાયેલા તમામ શીખ યુવકોના કેસ લડશે. અમૃતપાલ અને અન્યને મળવા માટે એસજીપીસી વકીલોની એક ટીમ પણ ડિબ્રુગઢ પહોંચી હતી.