ચેન્નાઇ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આઇપીએલ ૨૦૨૩ ની પ્રથમ ક્વોલિફાયર મેચ મંગળવાર, ૨૩ મેના રોજ રમાઈ હતી, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની સીએસકે ૧૫ રનથી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા. ટીમ વતી ૠતુરાજ ગાયકવાડે ૪૪ બોલમાં ૬૦ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બાદ ગાયકવાડે RCBના વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો હતો.
ગાયકવાડની ઇનિંગ્સમાં ૭ ફોર અને ૧ સિક્સ સામેલ હતી. ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે અત્યાર સુધીમાં ૪ મેચ રમાઈ છે અને તમામ મેચોમાં રૂતુરાજ ગાયકવાડે અડધી સદી ફટકારી છે. ગાયકવાડે ગુજરાત સામે ૪ ઇનિંગ્સમાં ૬૯.૫ની એવરેજ અને ૧૪૫.૫ના સ્ટ્રાઇક રેટથી ૨૭૮ રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીએ ગુજરાત વિરૂદ્ધ ત્રણ ઇનિંગ્સમાં ૧૧૬ની એવરેજ અને ૧૩૮.૧ના સ્ટ્રાઈક રેટથી ૨૩૨ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧ સદી અને ૨ અડધી સદી ફટકારી છે.
ગાયકવાડે કોહલી કરતાં ગુજરાત સામે વધુ રન બનાવ્યા છે.આઇપીએસ ૨૦૨૩ ની પ્રથમ લીગ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતનો ૫ વિકેટે વિજય થયો હતો. પરંતુ આ મેચમાં ચેન્નાઈના ઓપનર ગાયકવાડે ૯૨ રનની ઈનિંગ રમીને બધાના દિલ જીતી લીધા હતા. ગાયકવાડે અત્યાર સુધી ચાર મેચમાં ગુજરાત સામે ૭૩(૪૮), ૫૩(૪૯), ૯૨(૫૦) અને ૬૦(૪૪) રનની ઇનિંગ્સ રમી છે.