ટીમ ઈન્ડિયાને ૪ ખેલાડી ટાઈટલ જીતાડી દેશે, હવે ઓસ્ટ્રેલિયાની ખેર નહીં!

નવીદિલ્હી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩નો ફાઇનલ મુકાબલો ૭ જૂનથી રમાશે. તે માટે તૈયારી હવે અંતિમ તબક્કામાં છે. ઈંગ્લેન્ડનું ધ ઓવલ મેદાન તેના માટે તૈયાર થઈ રહ્યું છે. તો ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચી ચુક્યા છે, જ્યારે અન્ય ખેલાડી ટૂંક સમયમાં રવાના થશે. આ વચ્ચે આઈપીએલ ૨૦૨૩માં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો જલવો જે રીતે જોવા મળી રહ્યો છે, તેનાથી લાગે છે કે હવે ભારતીય ટીમનું આશરે ૧૦ વર્ષ બાદ આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું પૂરુ થઈ શકે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમને નબળી આંકી શકાય નહીં, ખાસ કરીને જ્યારે મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાવાની છે, જ્યાંની પિચ ફાસ્ટ બોલરોને મદદરૂપ સાબિત થઈ શકે છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના ચાર એવા ખેલાડી છે, જે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે અને તે આગળ પણ આ પ્રકારનું ફોર્મ જાળવી રાખશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતનો હાથ ઉપર રહી શકે છે.

વિરાટ કોહલીની આઈપીએલ ટીમ આરસીબી ભલે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોય પરંતુ વિરાટ કોહલીએ અંતિમ બે મેચમાં જે રીતે પ્રદર્શન કર્યું ત્યારબાદ ટીમ ઈન્ડિયાનું મનોબળ અલગ લેવલ પર છે. કહેવા માટે કહી શકાય કે કોહલીએ ટી૨૦માં સદી ફટકારી છે અને હવે ટેસ્ટ મેચ રમવાની છે. પરંતુ રન રન હોય છે ભલે પછી તે ગમે તે ફોર્મેટમાં બનાવ્યા હોય. હવે બીજા ખેલાડી શુભમન ગિલની વાત. જે રીતે કોહલીએ બેક ટૂ બેક સદી ફટકારી, આ રીતે શુભમન ગિલે પણ સદી પટકારી છે. શુભમનની શાનદાર બેટિંગની મદદથી ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચી ચુકી છે. શુભમન ગિલે આ વર્ષે આઈપીએલમાં ૧૪ મેચમાં ૬૮૦ રન ફટકાર્યા છે, અને તે ઓરેન્જ કેપની લિસ્ટમાં બીજા સ્થાને છે. ગિલ ડબ્લ્યુટીસી ફાઇનલમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરતો જોવા મળશે. જો શરૂઆતમાં ગિલ અને મિડલ ઓર્ડરમાં કોહલીનું બેટ ચાલ્યું તો ટીમ ઈન્ડિયા મોટો સ્કોર બનાવી શકે છે.

ત્યારબાદ અન્ય પ્લેયર્સની વાત કરીએ તો મોહમ્મદ શમી કમાલની બોલિંગ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી ૧૪ મેચમાં ૨૪ વિકેટ ઝડપી છે અને તે પર્પલ કેપની રેસમાં પ્રથમ સ્થાને છે. બીજીતરફ ડબ્લ્યુટીસી ફાઇનલમાં તેની સાથે સિરાજ નવા બોલની જવાબદારી સંભાળી શકે છે. સિરાજે આઈપીએલની વર્તમાન સિઝનમાં ૧૪ મેચમાં ૧૯ વિકેટ ઝડપી છે. જો આ બંને ખેલાડી એક્સાથે સારી બોલિંગ કરશે તો ઓસ્ટ્રેલિયન બેટરો માટે ખતરો ઉભો કરી શકે છે.