
- લીમખેડા તાલુકાના ગામોમાં 200 જેટલા કલસ્ટર બેઇઝ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા.
- આ એક જ પ્રોજેક્ટ થકી પશુપાલકને નિ:શુલ્ક રાધણગેસ ઉપરાંત રોજગારી, આવક, આરોગ્ય સહિતના લાભો.
દાહોદ, દાહોદ જીલ્લામાં સૌ પ્રથમવાર સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગોબરધન પ્રોજેક્ટ થકી લીમખેડા તાલુકાના ગામોમાં 200 જેટલા કલસ્ટર બેઇઝ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. લીમખેડામાં આ પ્રોજેક્ટની સફળતા બાદ ધાનપુર તેમજ દેવગઢ બારીયામાં પણ આટલા જ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ ટૂંક સમયમાં પ્રારંભ કરાશે. આ એક જ પ્રોજેક્ટ થકી પશુપાલકને નિ:શુલ્ક રાધણગેસ ઉપરાંત રોજગારી, આવક, આરોગ્ય સહિતના લાભો થઇ રહ્યાં છે.

લીમખેડાના દાભડા ગામના મનીષાબેન પટેલ જણાવે છે કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમને બોયોગેસ પ્લાન્ટ લગાવી આપવામાં આવ્યો છે. આ માટે રૂ. 5000 નો લોકફાળો ભર્યો છે. આ બોયોગેસ પ્લાન્ટથી અમને રસોઈ માટે ગેસ મળી રહે છે. પહેલા ચૂલામા રસોઈ કરતી વખતે ધુમાડો સહિત બહુ અગવડ પડતી હતી. હવે શાંતિથી રસોઈ થઈ જાય છે. ખેતર માટે ખાતર પણ મળી રહે છે. ઘરે સ્વચ્છતા રહે છે. સરકારનો આ યોજનાનો લાભ આપવા માટે ખૂબ ખૂબ આભાર.
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ હસ્તકની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામે સૌ પ્રથમ બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. આ યોજનામાં રૂ. 46898 ના પ્લાન્ટમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 37 હજાર ની સબસીડી આપવામાં આવી છે અને ફલેક્ષી બાયોગેસથી વર્ષો સુધી નિ:શુલ્ક રાંધણ ગેસ મળી રહે છે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ 2 યોજના અંતર્ગત રાજ્યભરમાં કલસ્ટર બેઇઝ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના તમામ જીલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બે પશુઘન ધરવતા કુંટુંબો માટે ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
ગોબરઘન યોજનાથી લાંબા સમય સુધી નિ:શુલ્ક કુદરતી રાંધણ ગેસ મળી રહેશે. આ કુદરતી ગેસ સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે. દર માસે બે થી ત્રણ એલ.પી. બોટલ જેટલો ગેસ ઉત્પાદન થાય છે. સાથે સાથે સ્લરી પણ ઉપજે છે. આ સ્લરીનો ખેતરમાં ઓર્ગેનિક ખાતર તરીકે પણ ઉપયોગ કરી ખૂબ સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. તેમજ જમીનની ફળદ્રપતા પણ વધારી શકાય છે. આમ ગ્રામ્ય વિસ્તારો માટે ગોબરઘન એક મહત્વની યોજના સાબિત થઇ છે.
બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વિજળી, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીનો એક સ્ત્રોત તથા બહેનોના સ્વસહાય જુથોની ખાધ મંડળીઓ વગેરે ઉદ્દેશ્ય સર કરવાનો યોજનાનું મહત્વનો હેતુ છે.
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના કુલ 9 ગ્રામ પંચાયતોમાં કલસ્ટર બેઇઝ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટના કુલ 200 લાભાર્થીઓનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં દમમખ આણંદ અમલીકરણ એજન્સી દ્વારા હાલમાં દાહોદ જીલ્લામાં કુલ 200 લાભાર્થીઓના ઘરે ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટના ઇસ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
લીમખેડાના માન્લી ગામે 53, કુન્લી ખાતે 32, અગારા(ઉ) ખાતે 11, દાભડા ખાતે 39, વટેડા ખાતે 4, પાલ્લી ખાતે 10, દેગાવાડા ખાતે 20, બાર ખાતે 16, રઇ ખાતે 15 ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ઇન્સટોલ કરવામાં આવ્યા છે.