દારૂનો નાશ કરાયો: બાલાસિનોર પોલીસે એક વર્ષ દરમિયાન ઝડપાયેલો 13,62,210ના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું

બાલાસીનોર, બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન નો વર્ષ 2021-2022 દરમિયાન પકડાયેલ 9579 વિદેશી દારૂની બોટલો અને બિયરો જેની કિમત રૂ.11,16,617 તેમજ વિરપુર પોલીસ સ્ટેશન નો વર્ષ 2021-2022 નો પકડાયેલ 2013 વિદેશી દારૂની બોટલો અને બિયરો ની કિમત રૂ.2,45,593 નો નાશ કરાયો.

રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે, એમ છતાં દર વર્ષ ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આજે મહિસાગર જીલ્લાના બાલાસિનોર ટાઉન અને વિરપુર તાલુકામાં એક વર્ષ દરમિયાન ઝડપાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

બાલાસિનોર- વિરપુર તાલુકામાં એક વર્ષ દરમિયાન પકડાયેલા 11592 વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ 13 લાખથી વધુના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. બાલાસિનોર મુલ્તાનપુરા પાસે નગરપાલિકા ડમ્પીંગ સાઇટ પર ખુલ્લી જગ્યામાં આજે વિદેશી દારૂની બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી. જ્યાં અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

જેમાં બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, ડીવાયએસપી પી.એસ.વડવી, બાલાસિનોર- વિરપુર મામલતદાર, નશાબંધી અધિકારી, બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઇ,બાલાસિનોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ,વિરપુર પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.