બ્રિજ ભૂષણ શરણ સિંહે પોતાની તુલના ભગવાન રામ સાથે કરી, મહિલા રેસલર્સને મંથરા કહી

નવીદિલ્હી, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ હાલમાં વિવાદોમાં ચાલી રહ્યા છે. મહિલા રેસલર્સે બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને તેમની સામે એફઆઇઆર પણ દાખલ કરાઈ છે. કુસ્તીબાજો છેલ્લા એક મહિનાથી દિલ્હીનાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની ધરપકડની સતત માંગ કરી રહ્યા છે. આ દરમિયાન સાંસદ બ્રિજભૂષણ સિંહે વિવાદાસ્પદ નિવેદન આપીને મહિલા રેસલર્સને મંથરા કહી છે. ત્યાં તેણે પોતાની તુલના ભગવાન રામ સાથે કરી છે.

રિપોર્ટર્સ અનુસાર બ્રિજભૂષણે તેમના સંસદીય ક્ષેત્ર ગોંડાના ધનઈગંજ બંધેમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, મંથરાએ ભગવાન રામને ૧૪ વર્ષ માટે વનવાસ મોકલ્યા હતા. પરંતુ જો રામ વનવાસ ન ગયા હોત તો ઘણી બાબતો અધૂરી રહી ગઈ હોત. જેમ કે, રામ ક્યારેય કેવટને મળ્યા ન હતો… શબરીના એઠા બોર ન ખાધા હોત… અને તેમની હનુમાન અને સુગ્રીવ સાથે મિત્રતા થઈ ન હતો…. તો પાપી રાવણનો અંત કેવી રીતે થાત?

બ્રિજભૂષણ સિંહે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે ભગવાને મારા માટે કંઈક બીજું કામ નિર્ધારીત કર્યું છે. હું બધું જ હોઈ શકું છું, પરંતુ મારા પર જે આરોપો લગાવાઈ રહ્યા છે, હું એવું કરી શક્તો નથી. એક દિવસ પહેલા જ તેમણે તેમના નાર્કો ટેસ્ટની માંગ પર કહ્યું હતું કે, તેઓ ટેસ્ટ માટે તૈયાર છે, પરંતુ શરત એ છે કે કુસ્તીબાજોનો ટેસ્ટ થવો જોઈએ. જવાબમાં કુસ્તીબાજોએ પણ કહ્યું કે, તેઓ આ માટે તૈયાર છે. દરમિયાન કુસ્તીબાજોએ સ્પષ્ટ કીધું હતું કે, જ્યાં સુધી બ્રિજભૂષણ સિંહની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત્ રહેશે.