અભિનેતા એજાઝ ખાને સમીર વાનખેડે પર વાક્પ્રહાર કર્યા,’મેં દયાની ભીખ માંગી, તેમણે દયા ન બતાવી, હવે કરેલાં કર્મોની સજા ભોગવી રહ્યા છે’

મુંબઇ : અભિનેતા એજાઝ ખાનની ૨૦૨૧માં મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ્સ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હવે બે વર્ષે તેને મુંબઈની આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા પછી તેણે પોતાના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા આપી છે. એજાઝે કહ્યું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આજે પોતાના કૃત્યની સજાનો સામનો કરી રહ્યા છે.’

વાસ્તવમાં સમીર વાનખેડેની ટીમે એજાઝની ધરપકડ કરી હતી. ૨૦૨૧ દરમિયાન, સમીર વાનખેડેએ ડ્રગ્સ લેનારા અને પેડલિંગ કરનારાઓ વિરુદ્ધ સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. તે સમયે એનસીબીની રડારમાં અનેક હસ્તીઓ આવી હતી. એજાઝ ખાન ૧૯મે,ના રોજ જેલમાંથી બહાર આવ્યો હતો. લગભગ ૨૬ મહિના જેલમાં રહ્યા બાદ તેણે બહાર આવતાં જ સમીર વાનખેડે પર હુમલો કર્યો હતો. એક અખબાર સાથે વાત કરતા તેણે કહ્યું, ’સમીર વાનખેડે આજે તેના કર્મોની સજા ભોગવી રહ્યો છે. જે દુ:ખ તેણે બીજાને આપ્યું, આજે તે બધું તેને પાછું મળી રહ્યું છે.’

એજાઝને પૂછવામાં આવ્યું કે, ૨૬ મહિના જેલમાં રહ્યા બાદ તેના જીવનમાં કેવો બદલાવ આવ્યો છે.? જવાબમાં એજાઝે કહ્યું, ’જેલમાં રહ્યા પછી હવે હું કોઈપણ સ્થિતિમાં જીવી શકું છું. હું એસી વિના જીવી શકું છું. જો કે, આ વર્ષો દરમિયાન વ્યવસાયિક રીતે મેં ઘણું સહન કર્યું. વેબ સીરિઝ મારા હાથમાંથી નીકળી ગઈ.

’હું જેલમાં હતો અને મારો ૯ વર્ષનો દીકરો મનોચિકિત્સક પાસે ઉપચાર માટે જતો હતો. જેલમાં ગયા પછી છ મહિના સુધી હું તેને મળી શક્યો નહીં, કારણ કે હું તેનો ચહેરો જોઈ શક્તો નહોતો. ઈદ કે પત્ની અને બાળકોના જન્મદિવસના પ્રસંગે હું ખૂબ જ એકલતા અનુભવતો હતો. જેલમાં ગયા પછી, હું ભાવનાત્મક, માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણપણે તૂટી ગયો હતો.

એજાઝ ખાન એ જ આર્થર રોડ જેલમાં બંધ હતો જ્યાં સંજય દત્તે તેની સજા ભોગવી હતી. જેલની હાલત વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ’અમે કેદીઓના માનવાધિકારની વાત કરીએ છીએ, પરંતુ એવું કંઈ નહોતું. જેલમાં કેદીઓની સંખ્યા ઘણી વધારે હતી. ત્યાંનું ભોજન પણ સારું નહોતું, સૂવાની જગ્યા પણ નહોતી. ૮૦૦ની ક્ષમતાવાળી જેલમાં ૩૫૦૦ કેદીઓ હતા.

એજાઝ હાલ જામીન પર બહાર છે. પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું, ’આ દેશમાં ન્યાય બહુ મોડો થાય છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી માણસનું જીવન ખરાબ થઇ જાય છે. હું જાણું છું કે, મને ચોક્કસ ન્યાય મળશે. મારા પરિવારના સભ્યો પણ જાણે છે કે મેં કંઈ કર્યું નથી.’