મુંબઈ, ગુજરાતી મુળની એકટ્રેસ કરિશ્મા તન્ના વેબસીરીઝ ’સ્ક્રુપ’માં પત્રકારનો રોલ કરી રહી છે.લોકપ્રિય સીરીઝ ’સ્કેમ’બનાવનારા હંસલ મહેતાએ ’સ્ક્રૂપ’માં લીડ રોલ માટે કરીશ્માની પસંદગી કરી છે. સિરીઝનાં પ્રમોશન દરમ્યાન કરિશ્માએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે,તેમનાં જન્મથી પિતા ખુબ જ નારાજ થયા હતા. તેઓ કરિશ્માનુ મોઢુ જોવા માટે પણ તૈયાર ન હતા.
વેબ સિરીઝનાં પ્રમોશન દરમ્યાન એક ઈન્ટરવ્યુમાં કરીશ્માએ જણાવ્યું હતું કે, હું થોડી સમજણી થઈ ત્યારે માતાએ જણાવ્યું હતું કે, તારો જન્મ થયો ત્યારે તારા પિતા બિલકુલ ખુશ ન હતા. રૂઢીચુસ્ત ગુજરાતી પરિવારની જેમ તેઓ દીકરો ઈચ્છતા હતા અને પરિવારના લોકોનુ પણ દબાણ હતું.પિતા વિશે વધુ વાત કરતાં કરિશ્માએ કહ્યું કે તેઓ હંમેશા દીકરીને પ્રેમ કરતા હતા. પરંતુ પરિવારનાં દબાણના કારણે તેઓ કયારેય દિલની વાત કરી શકયા નહિં.
દીકરો જ વંશને આગળ વધારી શકે તેવી માનસીક્તા હતી અને દીકરા જ વધારે કમાઈ શકે તેવુ મનાતું હતું. દાદા અને દાદી પણ અમને સેકન્ડ હેન્ડ ટ્રીટમેન્ટ આપતા હતા. તેમના આ વલણે જ મને વધુ મજબુત બનાવી. દીકરો જે કામ કરી શકે છે, તે એક છોકરી પણ કરી શકે છે તેવું મેં બતાવી દીધુ.
કરિશ્મા તન્નાને સંજયદતની બાયોપિક ’સંજુ’માં સંજયદતની ગર્લફ્રેન્ડ પિંકીનો રોલ મળ્યો હતો.રાજકુમાર હિરાણીએ બનાવેલી ફિલ્મમાં કરીશ્માની નોંધ લેવાઈ હતી. આ ફિલ્મ બાદ પણ એક વર્ષ સુધી કરીશ્માને કામ મળ્યુ ન હતું. જેના કારણે તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. આ રોલતી કેરીયરમાં આગળ વધી શકાશે તેવી આશા હતી.
ફિલ્મની રિલીઝ બાદ કરિશ્મા મેસેજ કરીને લોકોને પૂછતી હતી કે, તેમણે ફીલ્મ જોઈ છે કે નહિં? તેમને એકટીંગ પસંદ આવી? કોઈ બાજુથી પોઝીટીવ રિસ્પોન્સ મળ્યો ન હતો.ડિપ્રેશનમાંથી બહાર આવતા સતત પોતાની જાતને મોટીવેટ કરી અને ખરાબ સમય પસાર કર્યો હોવાનું કરિશ્માએ કહ્યું હતું.