હું પીએમ પદનો દાવેદાર નથી, મારું કામ વિપક્ષને એક કરવાનું છે: શરદ પવાર

મુંબઇ,\ દેશમાં આગામી લોક્સભાની ચૂંટણી માટે નેતાઓએ ફરી એકવાર વિપક્ષી એક્તા માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં નીતીશ કુમાર આમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકની જીત બાદ કોંગ્રેસનું મનોબળ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ વડાપ્રધાન પદની રેસમાં નથી. પવારે કહ્યું કે આજે આપણને એવા નેતૃત્વની જરૂર છે જે દેશના હિતમાં કામ કરી શકે.

એનસીપીના વડા શરદ પવારે પણ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની પદયાત્રાની સફળતાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિશે કોઈ કંઈ પણ કહે, પરંતુ મને ખાતરી છે કે લોકો તેમની વિચારધારા સાથે ઉભા રહેશે અને તેને મજબૂત કરવા માટે કામ કરશે.

બીજી તરફ વિપક્ષી એક્તા પર શરદ પવારે કહ્યું કે મારો પ્રયાસ વિપક્ષના તમામ પક્ષોને સાથે લાવવાનો છે. તેમણે કહ્યું કે બિહારના સીએમ નીતિશ કુમાર પણ આવા જ પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે પીએમ પદના સવાલ પર તેમણે કહ્યું કે જ્યારે તેઓ આગામી ચૂંટણી નહીં લડે તો વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો પ્રશ્ર્ન ક્યાંથી ઉભો થાય છે. પવારે સ્પષ્ટ કહ્યું કે તેઓ પીએમની રેસમાં નથી. તેમણે કહ્યું કે દેશને એવા નેતૃત્વની જરૂર છે, જે તેના વિકાસ માટે કામ કરી શકે.

બીજી તરફ ચૂંટણી માટે સીટોની વહેંચણી પર એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે હજુ સુધી આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે મારા નિવાસસ્થાને થયેલી બેઠકમાં ચર્ચા થઈ હતી કે એમવીએ ગઠબંધનના ત્રણેય પક્ષોના નેતાઓ બેસીને તેના પર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે, સોનિયા ગાંધી અથવા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને હું સાથે બેસીને ચર્ચા કરીશું.