મુંબઇ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી બાદ હવે સંજય રાઉતે આ મુદ્દે ભાજપની કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આજે મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને બાયપાસ કરીને PM નરેન્દ્ર મોદી દ્વારા નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. અમે આનો વિરોધ કરીએ છીએ. એ બતાવવાનો પ્રયત્ન કરે છે કે બધું હું જ છું, બીજું કોઈ નહીં.
સંજય રાઉતે કહ્યું કે સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. વડાપ્રધાન અને લોક્સભાના સ્પીકર પાછળથી આવે છે. પ્રથમ સ્થાન રાષ્ટ્રપતિનું છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે ન થાય તો તે ગંભીર બાબત તો છે જ, સાથે સાથે હાસ્યાસ્પદ પણ છે.
સંજય રાઉતે કહ્યું, ‘દેશની લોકશાહીની દૃષ્ટિએ આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. હું રાહુલ ગાંધીના પ્રશ્ર્નો સાથે સહમત છું. સેન્ટ્રલ વિસ્ટાની બિલકુલ જરૂર નહોતી. ઇટાલી અને અન્ય દેશોમાં આપણી સંસદ કરતાં જૂની ઇમારતો છે. રાજકીય લાલસા પુરી કરવા અને એ દેખાવ બતાવવા માટે હું ઈતિહાસ ઘડી રહ્યો છું, હું દિલ્હીનું નવીનીકરણ કરી રહ્યો છું, જનતાના પૈસાનો બગાડ કરીને તે ઘડવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રપતિની અવગણના કરીને તેનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આ સર્વોચ્ચ પદનું અપમાન છે.
સંજય રાઉતે વધુમાં કહ્યું, ‘છેલ્લા ૯ વર્ષમાં એવા લોકોને બેસાડવામાં આવ્યા છે જે કંઈ બોલતા નથી. પ્રશ્ર્ન ન કરો. જો વિપક્ષ ઉદ્ઘાટન કાર્યક્રમ લંબાવવાનું નક્કી કરશે તો અમે તેને સહકાર આપીશું. જે થઈ રહ્યું છે તે સંસદીય લોકશાહી માટે ઘાતક છે. દેશના સર્વોચ્ચ કાર્યમાં રાષ્ટ્રપતિને બાયપાસ કરશે. ચૂંટણી આવશે તો આદિવાસીઓના પ્રશ્ર્નોને આગળ વધારીશું. ભાજપ ૨૪ કલાક, ૩૬૫ દિવસ માત્ર રાજકારણ અને ચૂંટણી વિશે જ વિચારે છે. આ પાર્ટી એવી પાર્ટી છે જે માત્ર ચૂંટણીના મૂડમાં છે. તેને દેશની સમસ્યાઓ સાથે કોઈ લેવાદેવા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનું નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, લોક્સભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી અને તેમને નવનિમત સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું.