મનીષ સિસોદિયાને કોર્ટમાંથી કોઈ રાહત નહીં, જ્યુડિશિયલ કસ્ટડી ૧ જૂન સુધી લંબાવાઈ

  • ઈડી કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી પુરી થયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

નવીદિલ્હી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમ કે નાગપાલે એક્સાઈઝ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આગામી ૧ જૂન સુધી લંબાવી છે. સુનાવણી દરમિયાન મનીષ સિસોદિયાએ ખુરશી, ટેબલ અને પુસ્તકોની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. જણાવી દઈએ કે મનીષ સિસોદિયાની દિલ્હીની એક્સાઈઝ પોલિસીના કથિત કૌભાંડમાં ૨૬ ફેબ્રુઆરીએ સીબીઆઇ અને ૯ માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી મનીષ સિસોદિયા જેલમાં છે.

તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયાને એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગના મામલામાં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઈડી કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી પુરી થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે ફરી તેની જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી હતી. હવે મનીષ સિસોદિયાને ૧ જૂન સુધી જેલમાં રહેવું પડશે. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે જ્યારે મીડિયાએ મનીષ સિસોદિયાને દિલ્હી સેવાઓ પર કેન્દ્ર સરકારના વટહુકમ અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે પીએમ મોદી ખૂબ જ ઘમંડી થઈ ગયા છે. તેઓ લોકશાહીમાં માનતા નથી.

જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના બે વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. મનીષ સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં સીબીઆઇ અને ઈડી તપાસનો સામનો કરી રહ્યા છે, જ્યારે સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં ED તપાસનો સામનો કરી રહ્યા છે. સત્યેન્દ્ર જૈનની હાલત ભૂતકાળમાં ઘણી બગડી હતી. તેને ઉતાવળે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સત્યેન્દ્ર જૈનને કરોડરજ્જુની ઈજાની ગંભીર સમસ્યા છે. જેલના બાથરૂમમાં પડી જવાથી તેને આ સમસ્યા થઈ છે. ૩ મે ૨૦૨૩ના રોજ કરવામાં આવેલ એમઆરઆઈમાં સત્યેન્દ્ર જૈનની તમામ ઈન્ટરવટબ્રલ ડિસ્કનું ડિજનરેશન બહાર આવ્યું હતું. ડૉક્ટરોએ તાત્કાલિક કરોડરજ્જુ/વર્ટેબ્રલ સર્જરી અને ઑપરેટિવ પછીની યોગ્ય સંભાળની સલાહ આપી છે. આ માટે સત્યેન્દ્ર જૈનને જેલ સત્તાવાળાઓ દ્વારા વેઇટિંગ લિસ્ટમાં ૪૧૬માં નંબર પર રાખવામાં આવ્યા છે, જેના આધારે એવી આશંકા છે કે તેઓ આગામી ૫ મહિના પછી જ સર્જરી કરાવી શકશે. આ તેમના માટે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. સત્યેન્દ્ર જૈનને રાત્રે ઊંઘ આવતી નથી અને તેઓ ગંભીર ડિપ્રેશનમાં છે.