
શહેરા,
સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા શહેરા તાલુકાના ૩૯ વર્ષીય જવાનનું પરેડ દરમિયાન પડી જતા મૃત્યુ થતા જવાનના પરીવરજનો મા ઘેરો શોક છવાયો છે.તેઓની અંતિમવિધિ તેઓના માદરે વતન બામરોલી ખાતે પૂરા લશ્કરી સમ્માન સાથે શુક્રવાર ના રોજ કરવામાં આવશે.
શહેરા તાલુકાના બામરોલી ગામના બરજોડ ફળિયામાં રહેતા રમેશચંદ્ર લક્ષ્મણભાઇ બરજોડ ફકત ૧૮વર્ષની ઉંમરે વર્ષ ૧૯૯૯ મા સીમા સુરક્ષા દળમાં દેશ સેવાની નેમ સાથે જોડાયા હતા. વર્તમાન સમયમાં તેઓ બનાસકાંઠાના દાંતીવાડા ની આર્મી ૩૭ બટાલિયનમાં ફરજ નિભાવતા હતા.એક મહિના પહેલા સામાજિક કામર્થે તેઓ પોતાના ગામ આવ્યા હતા અને બુધવાર તારીખ ૩ ફેબ્રુઆરીના રોજ તેઓની રજા પૂર્ણ થતાં ફરજ પર હાજર થવા સવારે પોતાના ઘરેથી બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાત્રીના પરેડ દરમિયાન તેઓને અચાનક ચક્કર આવતાં તેઓ ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. સાથી જવાનો એ તાત્કાલિક તેઓને સરકારી દવાખાને ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત ઘોષિત કર્યા હતા. બનાવની જાણ ઉપરી અધિકારીઓને થતા તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને મૃતક જવાન રમેશચંદ્રના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેમના ભાઈ અને પરિવારના અન્ય સભ્યો ત્યાં પહોંચતા તેઓની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. તેઓના મૃત્યુ બાદ પરિવારમાં તેઓ તેમની પત્ની અને ત્રણ બાળકો ને વિલાપ કરતા મૂકી ગયા છે. મળતી માહિતી પ્રમાણે તેઓનો મૃતદેહ ગુવારની રાત્રીના તેઓના માદરે વતન આવી પહોંચશે અને શુક્રવારના સવારે પૂરાં લશ્કરી સમ્માન સાથે તેઓની અંતિમ વિધિ કરવામાં આવનાર છે.