અમદાવાદ, આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ગરમીથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે, ભેજનુ પ્રમાણ વધવાથી બફારો અને અકળામણ વધશે. અમદાવાદ ૪૩ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ. આજે પણ અહીં યલો એલર્ટ આપવામાં આવ્યુ હતું. જો કે, આગામી સમયમાં તાપમાન ઘટી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ભેજનુ પ્રમાણ વધવાથી પરસેવો વધશે. અમદાવાદ હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન મોટેભાગે સૂકુ રહી શકે છે. વરસાદ કે તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાનમાં ઘટાડો થશે અને બે-ત્રણ દિવસ પછી ભેજનુ પ્રમાણ વધશે અને હવામાનમાં ફેરફારો થશે .
આઈએમડીએ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીના ઘટાડા સાથે ગરમીમાં સામાન્ય રાહત મળવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે ભેજ વધવાથી બફારો, અકળામણ અને પરસેવો વધશે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ૪૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૨ ડિગ્રી, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરામાં ૪૧ ડિગ્રી નોંધાયુ હતુ. દીવ અને દ્વારકામાં ૩૩ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. સૌરાષ્ટ્રમાં મોટાભાગના સ્થળોએ ૩૫ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યુ.