બાગેશ્ર્વર ધામના બાબા પર ફિલ્મ ’ધ બાગેશ્ર્વર સરકાર’, બની રહી છે

મુંબઇ, આ દિવસોમાં બાગેશ્ર્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી નું નામ સૌથી વધુ ચર્ચામાં છે. જ્યાં પણ તેમનો દરબાર યોજાય છે ત્યાં લાખો લોકો તેમનું પ્રવચન સાંભળવા પહોંચી રહ્યા છે. એવામાં ઘણા લોકો ધીરેન્દ્ર શાસ્ત્રી ને ચમત્કારી અને દિવ્ય પુરુષ માની રહ્યા છે તો કેટલાક તેમના જ્ઞાન પર સવાલ ઉઠાવી રહ્યા છે. હાલની પરિસ્થિતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી હિંદુત્વના સૌથી મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે અને સનાતન ધર્મની રક્ષા માટે હિંદુઓને ચેતવી રહ્યા છે. સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ઘણા લોકો એમનાથી પ્રેરિત થઈને ધર્માંતરિત લોકો હિંદુ ધર્મમાં પાછા ફર્યા છે. એવામાં હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

જણાવી દઈએ કે બાગેશ્ર્વર બાલાજી સરકારના જીવન પર ફિલ્મ બની રહી છે. નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નામ ધ બાગેશ્ર્વર સરકાર રહેશે, જેનું નિર્દેશન વિનોદ તિવારી કરશે. હાલ સુધી મળતી માહિતી મુજબ આ ફિલ્મ હિન્દીની સાથે અન્ય ભાષાઓમાં પણ બનશે. દિગ્દર્શક વિનોદ તિવારીએ ’ધ બાગેશ્ર્વર સરકાર’ બનાવવા પાછળનો પોતાનો હેતુ જણાવતા કહ્યું કે બાગેશ્ર્વર સરકારનો મહિમા અને વિશ્ર્વભરમાં તેમના અનુયાયીઓનો પ્રેમ જોઈને આ ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિનોદ તિવારીએ જણાવ્યું હતું કે, ’આ ફિલ્મ બાગેશ્ર્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી જીના જીવન પર આધારિત છે. તેમના સંઘર્ષની વાર્તા પણ આ ફિલ્મમાં બતાવવામાં આવશે. આ ફિલ્મ દ્વારા સમાજમાં પરોપકારીના આદર્શો ફેલાવવાનું કામ કરવામાં આવશે. વિનોદ તિવારીએ વધુમાં જણાવ્યું કે બાગેશ્ર્વર મહારાજ દેશ-વિદેશમાં સનાતન ધર્મના લોકોને જોડે છે. આ ખુબ સારી વાત છે. તેઓ આનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. આ સાથે તેઓ ધર્મની રક્ષામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

જણાવી દઈએ કે વિનોદ તિવારીએ તાજેતરમાં જ લવ જેહાદ પર આધારિત ફિલ્મ ’ધ કન્વર્ઝન’ રિલીઝ કરી હતી. આ ફિલ્મમાં વીંધ્યા તિવારી, પ્રતિક શુક્લા, રવિ ભાટિયા અને મનોજ જોશી જોવા મળ્યા હતા.