પતિ-પત્નીએ બેંકમાં નકલી સોનું રાખીને 2 કરોડની લીધી લોન પછી…

લોકો બેંકમાં પોતાના પૈસાઓની લેવડ-દેવડ કરે છે અને જરૂર પડ્યે તેમાંથી લોન લઈને પોતાની જરૂરત પૂરી કરે છે, તો કેટલાક લોકો એવા હોય છે કે પોતાને જોઈતી લોન માટે પોતાની પાસે રહેલા, પત્ની કે ઘરના અન્ય સભ્યોના સોનાના ઘરેણાં મૂકીને ગોલ્ડ લોન લે છે. આવી રીતે જ મહારાષ્ટ્રમાં એક બેન્ક પાસેથી ગોલ્ડ લોન લેવામાં આવી હતી, પરંતુ એ અસલી સોનું નહોતું, નકલી સોનું મૂકીને ગોલ્ડ લોન લેવામાં આવી હતી અને પછી પતિ-પત્ની ફરાર થઈ ગયા હતા. ચાલો તો જાણીએ કે અપરાધીઓએ કઈ બેન્ક પાસે નકલી સોના પર લોન લીધી હતી અને એ લોનની રકમ કેટલી હતી.

મહારાષ્ટ્રમાં ઠાણે ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં 2 કરોડની નકલી ગોલ્ડ લોન ગોટાળો થયો છે. પતિ-પત્નીએ બેન્ક મેનેજર અને ગોલ્ડ વેલ્યુઅરની મિલીભગતથી આ ગોટાળાને અંજામ આપ્યો છે. આ ઘટનાનો ખુલાસો થયા બાદ પોલીસ આરોપીઓની ધરપકડ માટે પ્રયાસ કરી રહી હતી. હાલમાં જ પોલીસને માહિતી મળી હતી કે આરોપી પતિ-પત્ની પોતાના ગામમાં આવી રહ્યા છે. માહિતી મળતા જ પોલીસે ઘેરાબંધી કરી આરોપી દંપત્તિને દબોચી લીધી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની મોખડા પોલીસે આરોપી હેમંત ઉદાવંત અને તેની પત્નીની ધરપકડ કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે હેમંત ઉદાવંત અને તેની પત્ની વર્ષ 2016થી ફરાર ચાલી રહ્યા હતા. બંનેએ વર્ષ 2016મા ઠાણે ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક પાસેથી 2 કરોડ રૂપિયાની નકલી સોના પર લોન લીધી હતી. આરોપી હેમંત ઉદાવંતે બેંકમાં પોતાની પત્ની અને પરિવારના અન્ય સભ્યો, ડ્રાઈવર, કર્મચારીઓ અને સંબંધીઓના નામથી બેંકમાં ઘણા ખાતા ખોલાવ્યાં હતા. ત્યારબાદ બેન્ક મેનેજર, બેન્કના વેલ્યુઅર અને અન્ય સ્ટાફની મિલીભગત સાથે આ ગોટાળાને અંજામ આપ્યો હતો.

બેંકમાં ખોલાવેલા ખાતાઓ વડે નકલી સોનું ગીરવે મૂકીને 2 કરોડ રૂપિયાની લોન લઈ ગયો. લગભગ 5.6 કિલો નકલી સોનાની જ્વેલરીને બેંકમાં ગીરવે રાખતી વખતે બેન્કના ગોલ્ડ વેલ્યુઅરે તેને અસલી સોના તરીકે સર્ટિફાઇડ કર્યું હતું. તેના કારણે બેન્ક મેનેજર તરફથી હેમંત ઉદાવંત અને તેની નજીકના લોકોની લોન ઘણીવાર મંજૂર કરવામાં આવી હતી. વર્ષ 2016મા એક વ્હિસ્લ બ્લોઅરના કારણે આ ગોટાળો સામે આવ્યો હતો.

ત્યારે પોલીસે બેન્ક મેનેજર, બેન્ક સિક્યોરીટી સ્ટાફ અને વેલ્યુઅર સહિત કેટલાક લોકોની ધરપકડ કરી હતી, પરંતુ હેમંત ઉદાવંત અને તેની પત્ની પકડમાં આવી શક્યા નહોતા. ત્યારથી પોલીસને એ બંનેની શોધ હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં મોખડા પોલીસને બાતમી મળી કે હેમંત ઉદાવંત મોખડામાં પોતાના ગામમાં આવવાના છે. પોલીસે એ હિસાબે ટ્રેપ ગોઠવ્યો. બુધવારે જેવા જ હેમંત ઉદાવંત અને તેની પત્ની ગામમાં પહોંચ્યા, બંનેની ધરપકડ કરી લેવામાં આવી.