નવીદિલ્હી, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જયપુર, ચેન્નાઈ, કોઝિકોડ અને કન્નુરથી લગભગ ૧૯,૦૦૦ હજ યાત્રીઓ માટે વિશેષ હજ ફ્લાઈટ્સ ચલાવશે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ લગભગ ૧૯,૦૦૦ હજયાત્રીઓને સાઉદી અરેબિયાના જેદ્દાહ અને મદીના લઈ જવા માટે આ ચાર શહેરોમાંથી ફ્લાઈટ ચલાવશે. પ્રથમ તબક્કામાં, એર ઈન્ડિયા જયપુર અને ચેન્નાઈથી અનુક્રમે મદીના અને જેદ્દાહ માટે ૪૬ ફ્લાઈટ્સનું સંચાલન કરશે, એમ સોમવારે જારી કરાયેલા એક પ્રકાશનમાં જણાવાયું હતું.
રીલીઝ મુજબ, પ્રથમ ફ્લાઈટ ૨૧ મેના રોજ જયપુરથી ઓપરેટ કરવામાં આવી હતી અને સેવાઓ ૨૧ જૂન સુધી ચાલશે. બીજા તબક્કામાં, જયપુર અને ચેન્નાઈના યાત્રાળુઓને પરત લાવવા એર ઈન્ડિયા ૩ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી ૪૩ ફ્લાઈટ્સ નું સંચાલન કરશે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, જે તીર્થયાત્રીઓ જયપુરથી એર ઈન્ડિયા સાથે ઉડાન ભરશે તેમની સંખ્યા ૨૭ ફ્લાઈટો માં ૫,૮૭૧ છે, જ્યારે ચેન્નાઈથી ૧૯ ફ્લાઈટમાં ૪,૪૪૭ તીર્થયાત્રીઓને લઈ જવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ કોઝિકોડ ૪ થી ૨૨ જૂન સુધી ફ્લાઈટનું સંચાલન કરશે.
પ્રથમ તબક્કા દરમિયાન, તે કોઝિકોડથી જેદ્દાહ સુધી ૬,૩૬૩ મુસાફરોને લઈને ૪૪ ફ્લાઈટ્સ અને કન્નુર અને જેદ્દાહ વચ્ચે ૧,૮૭૩ મુસાફરોને લઈને ૧૩ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. બીજા તબક્કામાં, ૧૩ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી, એર ઈન્ડિયા એક્સપ્રેસ મદીનાથી કોઝિકોડ અને કન્નુર સુધીના તીર્થયાત્રીઓને પરત લાવવા માટે ફ્લાઈટ્સ ચલાવશે.
એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે એરલાઈન વાર્ષિક હજ સ્પેશિયલ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા માટે ખુશ છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ પરત ફ્લાઈટમાં ઝમઝમનું પાણી ભારતમાં લાવશે, રિલીઝમાં જણાવાયું છે. આગમન પર તે ભારતમાં તેમના દ્વારા સંચાલિત ચાર સ્થળો પર સંગ્રહિત કરવામાં આવશે. પવિત્ર જળ યાત્રાળુઓને તેમના ઘરે પરત ફરવા પર સોંપવામાં આવશે.