- રૂ.૨૩ લાખના ખર્ચનો રસ્તો બન્યાના ગણતરીના દિવસોમાં સામગ્રી બહાર આવી.
- બિનગુણવત્તા યુકત રસ્તો બનાવાયાની પોલ ખુલી જતા લોકોમાં નારાજગી.
- અગાઉ કામગીરી દરમ્યાન નિમ્નકક્ષાની કામગીરી હોવાની હકીકતો કરવા છતાં લોકોની ફરિયાદો ધ્યાને ન લેવાઈ.
- પાલિકાની વેઠ ઉતારું કામગીરી સામે સ્થાનિક પ્રજામાં ભ્રષ્ટાચાર અંગે અનેક તર્કવિતર્ક.
- માત્રને માત્ર ચુંટણીલક્ષી રસ્તા બનાવાયા હોવાની ફરિયાદો ઉઠી.
- ખર્ચ એળે ના જાય અને પાકાં રસ્તા માટે પાલિકા હજુયે મતદાન પૂર્વે ચિંતીત બને તે જરૂરી.
ગોધરા નગર પાલિકાની ચુંટણી માથે હોય અને મતદારોને આકર્ષવા માટે અનેક દોડધામ બાદ મંજુર કરાયેલ નવિન રસ્તાઓ વિવિધ વિસ્તારમાં રાતોરાત તૈયાર થઈ રહ્યા છે. જે પૈકી તાજેતરમાં શહેરા ભાગોળ પેટ્રોલ પંપ થી પીમ્પુટકર ચોક વિસ્તારમાં રૂ.૨૩ લાખના ખર્ચનો રસ્તો બન્યાના ગણતરીના દિવસોમાં સામગ્રી બહાર આવીને બિનગુણવત્તા યુકત બનાવાયા હોવાની પોલ ખુલી જતા લોકો તથા સ્થાનિક પ્રજા પાલિકાની વેઠ ઉતારું કામગીરી સામે નારાજગી વ્યકત કરી રહ્યા છે. માત્રને માત્ર ચુંટણીલક્ષી રસ્તા બનાવાયા હોવાની ફરિયાદો ઉઠી છે.
કોરોનાની વૈશ્ર્વિક મહામારી વચ્ચે પાંચ પાંચ મહિનાના સળંગ લોકડાઉન જામેલો રહ્યો હતો. સરકારી કામો ઉપર પણ જાણે કોરોના છવાઈને વિકાસ પ્રત્યે કોરન્ટાઈન કરાયો હોવાનો ઘાટ સર્જાયો હતો. ગોધરા શહેરમાં રસ્તા, પાણી સહિતની સુવિધાઓ અંગે પણ અનેક ફરિયાદો હોવા છતાં લોકડાઉનના બ્હાના વચ્ચે ઘોંચમાં પડી હતી. જેમાં રસ્તાઓની દયનિય સ્થિતી બનીને ઠેરઠેર નુકશાન ગ્રસ્ત બન્યા હતા. જેનું મરામત કાર્ય ન થતાં સમગ્ર ચોમાસા દરમ્યાન આ નુકશાન ગ્રસ્ત બનેલા રસ્તાઓ વધુ તૂટફૂટ બનતા પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. દિવાળી બાદ પ્રજાજનો દ્વારા નવિન રસ્તાઓની માંગ કરવા છતાં નાણાંકિય સ્થિતીનું કારણ દર્શાવીને કામગીરી વિલંબમાં મૂકાઈ હતી. બીજી તરફ ચુંટણી માથે હોવાથી રસ્તાઓની અગ્રીમતા આપવાનો સભ્યો દ્વારા નકકી કરાયું હોય અને અગાઉની ગોઠવણી મુજબ પોતાના ચોકકસ વિસ્તારોમાં નવિન રસ્તાઓ દોડધામ કરીને મંજુર કરવામાં આવ્યા હતા. જેના ભાગપ શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસ થી નવિન રસ્તાઓનું ધમધમાટ વ્યાપીને મત મેળવવાનો રસ્તો શોધી કાઢયો હતો. સભ્યો જાણે છે કે, ચુંટણી જીતવાનો રસ્તો રસ્તો જ છે. આથી પોતાના વિસ્તારમાં રસ્તાઓ બનાવવા માટે દોડધામ કરીને ગમે તેમ કરીને મંજુર કરાવીને છેલ્લા કેટલાક દિવસો થી રસ્તાઓનું કામ ધમધમાટ શરૂ થતાં લોકોમાં આનંદ છે. પરંતુ કોન્ટ્રાકટરોની બુદ્ધિ ચરવા ગઈ હોય તેવી પ્રજામાં લાગણી વ્યાપી છે કે તેઓ દ્વારા કોઈ પણ જાતના નીતિ નિયમોને પાલન કર્યા વિના તથા ટેન્ડરમાં લખાયેલા શરતોને અવગણીને ઝડપથી કામ પતાવા માટે અધીરા બન્યા છે. રસ્તા બનાવવા માટે વચોવચ આવતાં વિજ પોલ, વળાંકો, રસ્તાની આસપાસના દબાણો તથા ઝાડી ઝાંખરાનો વિચાર રાખીને વ્યવસ્થીત કરવાની તસ્તી લેવામાં આવી નહીં લોકોના વિવાદોમાંંથી બચવા માટે કોન્ટ્રાકટર દ્વારા ઝડપભેર કામ આટોપવા સ્પર્ધા કરી હોય તેમ કામગીરી હાથ ધરી રહ્યા છે. પરંતુ ઝડપભેર રસ્તાઓ તૈયાર કરવા માટે ગુણવત્તા જળવાતી ન હોવાની વિવિધ વિસ્તારોમાંથી ફરિયાદો ઉઠી રહી છે. આ અંગે પાલિકાના સભ્યોને ફરિયાદો કરવા છતાં કોઈપણ જાતની ટકોર, ઠપકો કે ફરીથી નિર્માણ કરવાની કામગીરી કરવામાં આવતી નથી. પરંતુ ઠાલા વચનો આપીને ચુંટણી આપીને પૂર્ણ કરવાની બાંહેધરી મતદારોને સંતોષ આપી રહ્યા છે. આ પૈકી શહેરના શહેરા ભાગોળ પેટ્રોલ પંપ થી પિમ્પુટકર ચોક તરફનો રસ્તો રૂ.૨૩ લાખમાં બનાવવામાં આવ્યો છે.
તાજેતરમાં નિર્માણ કરવામાં આવી રહેલા રસ્તાના સમયે લોખંડ, સિમેન્ટ, રેતી-કપચી ઓછી વાપરવામાં આવીને ગુણવત્તા જળવાતી નથી અને ટુંક સમયમાં કેટલીક મજબુતાઈ થી રસ્તો ટકશે તે બાબતે પ્રજાએ શંકા સેવી હતી. લોકોને રસ્તો લાંબા સમય બાદ બનતા આનંદની લાગણી છવાઈ હતી. પરંતુ નિમ્નકક્ષાની કામગીરી હોવાથી ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો વચ્ચે રજુઆતો અને ચર્ચાઓનો દોર જામ્યો હતો. કોન્ટ્રાકટર તથા સભ્યો અને પાલિકાના અધિકારીઓએ ગુણવત્તા બાબતે કાળજી રાખવામાં ન આવતાં ટુંકાગાળામાં પ્રજાએ સેવેલી શંકા હકીકતમાં પરિણમી છે. ગણતરીના દિવસોમાં જ નવો નકોર બનેલ રસ્તાનું ધીરેધીરે ધોવાણ થઈને સામગ્રી બહાર આવવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. અને તકલાદી કામગીરી કરાઈ હોવાનું ફલિત થઈ રહ્યું છે. હજુય આ સામાન્ય થઈ રહેલી તૂટફુટને વહેલી તકે મરામત કરવામાં નહીં આવે તો ચુંટણી બાદ આ રસ્તો એકસપાયર થવાની સાથે મતદારોના મત વિજેતા ઉમેદવારોના ઝોલીમાં પાંચ વર્ષ માટે પડી ગયા હોય તેવો ઘાટ સર્જાનાર છે. સરકારી નાણાંનો ખર્ચ એળે ના જાય અને લોકોની ગુણવત્તા યુકત રસ્તાની સુવિધા મળી રહેલ તે બાબતે પાલિકા હજુ એ મતદાન પૂર્વે ચિંતીત બને તે જરૂરી છે.