સુરત, સુરતની ડીજીવીસીએલની પરીક્ષામાં ગેરરીતિ મામલામાં ઝડપાયેલા બે આરોપીઓને ૫ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ત્યારે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પરીક્ષામાં ગેરરીતિ માટે એક જ સીપીયુથી બે મોનીટર ઓપરેટ થયા હોવાનું સામે આવ્યુ છે. સાથે જ ક્રાઇમબ્રાન્ચે સર્ચ દરમિયાન સીપીયુ કબ્જે કર્યા છે. ઉમેદવાર દીઠ ૭થી ૧૦ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યુ છે.
બીજી તરફ સુરતમાં વીજ કંપનીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના કૌભાંડમાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો હતો. રાજ્ય સરકારની વીજ કંપનીઓ દ્વારા જે પ્રકારે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી હતી એમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો જે બાદ આ કેસમાં તપાસ કરતાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. જે.જે. કુંડલિયા કેમ્પસમાં આવેલી સક્સેસ ઈન્ફોટેક ઓફિસમાં છેતરપિંડી ચાલતી હોવાનો ખુલાસો થયો છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પરીક્ષાઓમાં ગેરરીતિ મામલામાં ક્રાઇમ બ્રાન્ચમાં ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી ક્રાઇમ બ્રાન્ચે ૨ લોકોની ધરપકડ કરી છે. ડીજીવીસીએલ વિભાગની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. જે મામલામાં સુરત બહારના શહેરોમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ માત્ર સુરત જ નહીં વડોદરા અને અમદાવાદમાં પણ ગેરરીતિ આચરી હતી. પોલીસે ઇન્દ્રવદન અશ્ર્વિનભાઇ પરમાર અને ઓવેશ મોહંમદરફીક કાપડવાલા જે સુરત શહેરમાં વરાછા રોડ ખાતે આવેલા “સારથી એકેડેમીં”ના માલિક છે તેની ધરપકડ કરી હતી.
અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ, તપાસ કરતાં રૂપિયા કમાઈ લેવાની લાલસામાં કેટલાક શખસોએ ટોળકી બનાવીને આખું કૌભાંડ આચાર્યું હોવાનું સામે આવ્યું હતું. વીજ વિભાગની જુનિયર ક્લાર્કની એક્ઝામમાં સુરતની એકેડમીના માલિક સહિત બેની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી.
મહત્વનું છે કે આ બાતતે વધુ તપાસ કરતાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. તા. ૦૯, ડિસેમ્બર ૨૦૨૦ થી તા. ૦૬ જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન અલગ-અલગ તારીખોએ લેવામાં આવેલી ઓનલાઇન પરીક્ષા પ્રક્રિયામાં આરોપીઓ, પરીક્ષા કેન્દ્રના માલિકો અથવા કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતીયા તથા એજન્ટો દ્વારા એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ મેળવવા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.