ફતેપુરા, ફતેપુરા તાલુકામાં મનરેગા યોજનામાં થતાં કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાની રજુઆત ગુજરાતના મુખ્યમંત્રીને કરવામાં આવી હતી. રજુઆતના પગલે ફતેપુરા તાલુકામાં તપાસ માટે ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમ તપાસ માટે આવી પહોંચી હતી.
ફતેપુરા તાલુકાના મનરેગા યોજનાના મધુર કામદાર યુનિયનના મંત્રી ભરતભાઈ પારગી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી જણાવવામાં આવ્યુ હતુ કે, ફતેપુરા તાલુકામાં મનરેગા યોજનામાં કામ કરતા જોબકાર્ડ ધરાવતા શ્રમિકોને કામ મેળવવા માટે તેઓની પાસેથી તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોના કામદારો મનરેગા યોજના હેઠળ વિવિધ પ્રકારના કામો પોતાના સર્વે નંબરોમાં કામ કરવા માટે ફાઈલો તૈયાર કરતા હોય છે. કામ કરવા માટે મુકવામાં આવતી ફાઈલોમાં મંજુરી માટે એમ.આઈ.એસ., એસ્ટિમેન્ટ, ટી.એસ., તેમજ વહીવટી લેવા માટે ફાઈલો રજુ કરાતા નાના કર્મચારીઓથી લઈને તાલુકાના એપીઓ અને ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા કામની વહીવટી આપવા માટે રૂપિયાનુ ઉઘરાણુ કરાવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાની રજુઆત કરાતા ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમ ફતેપુરા તાલુકા પંચાયત ખાતે તપાસ માટે આવી પહોંચી હતી. ગાંધીનગરની સ્ટેટ ટીમ દ્વારા ઝીણવટપુર્વક તપાસ હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.