જે રીતે શાહરુખ પોતાની રીતે આગળ આવ્યો છે, કદાચ કોઈ કરી શકશે નહીં.: મનોજ બાજપાયી

મુંબઇ, એક્ટર મનોજ બાજપેયી આજકાલ પોતાની આગામી ફિલ્મ ’સિર્ફ એક બંદા કાફી હૈ’ને કારણે ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે શાહરુખ ખાન વિશે વાત કરી હતી. મનોજે કહ્યું કે તે શાહરુખને ઘણાં વર્ષોથી ઓળખે છે. જે રીતે શાહરુખ પોતાની રીતે આગળ આવ્યો છે, કદાચ કોઈ કરી શકશે નહીં.

મનોજે જણાવ્યું કે, ’શાહરુખનાં માતા-પિતાનું નાની ઉંમરમાં જ અવસાન થયું હતું. તેના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. તેમ છતાં તે પાછો પડ્યો નહીં. તેમણે નિરાશ થયા વિના સખત મહેનત કરી અને પોતાની ઓળખ બનાવી હતી.’

મનોજ બાજપેયીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, ’આજે આ તબક્કે શાહરુખને જોઈને હું ખૂબ જ ખુશ છું. એક એવો માણસ કે જેની ૨૬ વર્ષની ઉંમરે બધું બરબાદ થઈ ગયું. જેમના પરિવારજનોનું નિધન થયું હતું. તેમણે પોતાના માટે એક નવી દુનિયા બનાવી. પોતાનાં માટે પૈસા અને ઈજ્જત કમાઈ હતી.

શાહરુખના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ હતું. તે દિલ્હીમાં ચાની નાની દુકાન ચલાવતા હતા. ૧૯૮૧માં તેમનું અવસાન થયું. પિતાથી નિધનને કારણે શાહરુખ એટલો દુખી હતો કે પિતાનું છેલ્લી વાર મોઢું પણ જોયું ન હતું.તે પછી બરાબર ૧૦ વર્ષ બાદ ૧૯૯૧માં શાહરુખની માતા લતીફ ફાતિમાનું પણ નિધન થયું હતું. માતાના નિધન બાદ શાહરુખની હાલત ખરાબ થઈ ગઈ હતી. શાહરુખ તેમની માતાની તંદુરસ્તી માટે પ્રાર્થના કરતો હતો પરંતુ ભગવાને તેની વાત ન સાંભળી.

મનોજે વધુમાં કહ્યું, ’હું અને શાહરુખ બહુ મળતા નથી, પરંતુ જ્યારે અમે મળીએ છીએ ત્યારે અમે ખૂબ જ સારી રીતે મળીએ છીએ. અમારી બંનેની પોતાની દુનિયા છે. હવે અમે બહુ મળતા નથી. જોકે અમે ૧૯-૨૦ વર્ષના હતા ત્યારે અમે લગભગ દોઢ વર્ષ સાથે કામ કર્યું હતું. અમે બંને હજુ પણ એકબીજાને માન આપીએ છીએ.’

મનોજ બાજપેયીએ એક જૂના ઇન્ટરવ્યૂમાં પોતાની અને શાહરૂખની મિત્રતા વિશે વાત કરી હતી. મનોજે કહ્યું કે, એક સમયે તે અને શાહરુખ એકબીજા સાથે સિગારેટ શેર કરતા હતા. મનોજે કહ્યું કે તે સમયે શાહરુખ પાસે એક વેન હતી, બંને એક જ વાનમાં ફરતા હતા. મનોજના કહેવા પ્રમાણે, ત્યારથી શાહરુખ છોકરીઓમાં ઘણો લોકપ્રિય હતો અત્રે ઉલ્લેખનીય છે કે, શાહરુખ અને મનોજે યશ રાજ ચોપરાની ફિલ્મ ’વીર ઝારા’માં સાથે કામ કર્યું છે.