દીકરી પર કાળ બની ત્રાટકેલો બાપ:સુરતના કડોદરાના ધાબા પર ઊંઘવાના ઝઘડામાં પિતા ઉપરાછાપરી ૨૫ ઘા મારી મોતને ઘાટ ઉતારી

સુરત, સુરત જિલ્લાના કડોદરામાં ૧૮મી મેના રોજ એક પિતાએ જ દીકરીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે. ધાબા પર નહીં પરંતુ ઘરમાં સૂવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરૂણ અંજામમાં જુવાનજોધ દીકરીને પિતાએ જ મોતને ઘાટ ઉતારી હતી. ઘરમાં ઊંઘવા ઈચ્છતા શેતાને પોતાની દીકરી પર મટન કાપવાના છરાથી ઉપરાછાપરી ૨૫થી વધુ ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતારી હતી. આખો પરિવાર બચાવવા માટે આરોપીને રોકે છે પણ છૂટતાની સાથે કાળ બનીને તૂટેલો બાપ છરા મારતા રોકાતો નથી. વચ્ચે પત્ની છોડાવવા આવે છે તો તેના પર પણ હુમલો કરી દે છે.

પલસાણા તાલુકાનાં કડોદરા સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સુવા બાબતે પત્ની રેખાદેવી સાથે ૧૮મી મેના રોજ ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા છરા વડે રામાનુજે પત્ની પર હુમલો કરવા જતાં બચાવવા પડેલી પુત્રી ચંદાકુમારી (ઉ.વ.૧૯)ને છરા વડે ૨૫થી વધુ ઘા કરી હત્યા કરી હતી. કડોદરા પોલીસે ચપ્પુ લઈ ફરાર રામાનુજને જોળવાથી કડોદરા તરફ જતાં રોડ પરથી ઝડપી લીધો હતો અને તેની પાસેથી છરો કબ્જે કર્યો હતો. તપાસ દરમિયાન બિલ્ડિંગમાં સીસીટીવી ફૂટેજ કબ્જે લીધા છે. જે ફૂટેજમાં હત્યાના દ્રશ્યો ભયાનક જણાય રહ્યા છે.

હેવાન બનેલા રામાનુજે પત્નીને ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ પુત્રી ચંદાકુમારી પર તૂટી પડ્યો હતો. ૨૦ ઘા રૂમની આગળની ગેલેરીમાં જ માર્યા હતા અને ત્યારબાદ ચંદાકુમારી રૂમમાં પહોંચી ગઈ હોય ત્યાં જઈને પણ ઘા કર્યા હતા. રામાનુજ છત પર રેખા દેવી પાસે પહોંચ્યો હતો. બિલ્ડિંગના માણસો એકત્રિત થઈ જઇ રામાનુજને આંતરવાનો પ્રયાસ કરતાં તે ચપ્પુ લઈને ભાગી છૂટ્યો હતો. સીસીટીવી ફૂટેજના દ્રશ્યો હચમચાવી નાખે તેવા છે.

હેવાન બનેલા રામાનુજ માતા અને બહેન ઉપર છરો લઈને તૂટી પડ્યો હોય. ત્યારે મૂકબધીર સુરજ પિતાને રોકવા વચ્ચે પડ્યો હતો. રામાનુજ પત્ની અને પુત્રી ઉપર છરાના ઘા કરતો હતો ત્યારે જીવની પરવાહ કર્યા વગર સુરજ પિતાને બાથમાં લઈને જમીન ઉપર પાડી દીધો હતો. જો કે નાનો બાળક બહેનને બચાવવામાં સફળ રહ્યો ન હતો પરંતુ તેની પાછળ જઈ ફરી એક વાર પિતાને આંતરી લીધા હતા અને આ દરમ્યાન બિલ્ડિંગના રહીશો આવી જતાં માતા રેખા દેવીનો જીવ બચી ગયો હતો.

કડોદરામાં સત્યમનગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.૪૨) પત્ની રેખાદેવી (ઉં.વ.૪૦), દીકરી ચંદાકુમારી (ઉં.વ.૧૯) અને ત્રણ દીકરા સૂરજ, ધીરજ અને વિશાળ સાથે રહે છે. મૂળ બિહારનો રામાનુજ મિલમાં મજૂરીકામ કરતો હતો. રાત્રે ધાબા પર પત્ની સાથે સૂવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો, જોકે પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો.

રાત્રીના આશરે અગિયારેક વાગે પરીવાર સાથે જમી પરવારીને બેઠા હતા. ત્યારે પતિ રામનુજ મહાદેવ શાહુંને પત્ની રેખાદેવીએ કહ્યું કે ગરમીનો સમય હોય આપણે પરિવાર સાથે છત ઉપર સુવા જઇશું. એવું કહેતા જ પતિએ ઉપર સુવા નથી જવું આપણે બધા નીચે ઘરમાં જ સુઇ જઇશું એવું કહી પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. કહ્યું હતું કે, મારી સાથે વધારે જીભાજોડી કરશો તો તમને બધાને જાનથી મારી નાખીશ. ત્યારબાદ ઘરની બહાર ચાલ્યા ગયા હતા. થોડીક જ વારમાં હાથમાં મોટુ ધરદાર છરો લઇને ઘરમાં આવ્યા હતા અને કહ્યું કે, આજે હું તને જાનથી મારી નાખીશ તેવું કહીને પરિવાર પર હુમલો કર્યો હતો.

રામાનુજે હુમલો કરતાં પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યાર બાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો., જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. જોકે પિતાના હાથમાં દીકરી આવી જતાં તેના પર ઉપરા ઉપરી મટન કાપવાના છરાથી ૨૫ જેટલા ઘા માર્યા હતા.

માત્ર સૂવા બાબતે થયેલા ઝઘડામાં પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. એમાં તેના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી એના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને હત્યા કરનાર પિતા રામાનુજને ઝડપી પડ્યો હતો. ચંદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.