પોરબંદર, ‘જોર, જમીન અને જોરુ.. ત્રણેય કજીયાના છોરું’ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે. પોરબંદરના બખરલા ગામે ખેડૂતો વચ્ચે જમીન ખરીદવા મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં ફાયરિંગ થતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક ગંભીર ઘાયલ થયો છે.
બખરલા ગામે ખેતીની જમીન નજીક નેરી ખોદવા બાબતે બે ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં પાડોશીએ ફાયરિંગ કરતાં કાકાનું મોત થયું હતું, જ્યારે ભત્રાજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફાયરિંગને લઈ ગામમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના બાદ બંનેને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટનામાં કાકા ખીમા ગીગા ખૂટીનું મોત થયું, જ્યારે ભત્રીજા કિશોર માલદે ખૂટી ઇજાગ્રસ્ત થયો. ફાયરિંગ કરનાર અરજણ પરબત તથા એક વ્યક્તિ હોવાના અહેવાલ છે. પોલીસે આ મુદ્દે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.