ગોધરાના હાર્દ સમા હોળી ચકલા વિસ્તારમાં વર્ષો જુનું શૌચાલય નષ્ટ કર્યા બાદ નવિન ઊભું કરવામાં આવેલ શૌચાલય બંધ હાલતમાં : ખર્ચો એળે.

  • અગાઉ જુના શૌચાલયની સાફ સફાઈના અભાવે ગંદકી જાહેરમાં પ્રસરાવવાની સાથે તળાવમાં ગંદકી ઠલવાતી હતી.
  • ગંદકીના કારણે લોકોની લાગણી દુભાવા સાથે વહેપારીઓ તથા સભ્યો દ્વારા નવી સુવિધાની માંગણી કરી હતી.
  • બે-બે વર્ષ બાદ સુવિધા વિહોણા રહેલ આ જગ્યા ઉપર આખરે પાલિકા એ મોબાઈલ શૌચાલય ઉભુ કર્યું.
  • નવિન શૌચાલયથી જગ્યા નાની તથા પાણીની સુવિધાનો અભાવ વચ્ચે ગંદકી તળાવમાં ઠલવાય છે.
  • સાત-આઠ મહિનાથી ઉભુું કરવામાં આવેલ નવિન શૌચાલય ઉપયોગી વિહોણું શોભાના ગાંઠીયારૂપ.
  • હવે ચુંટણી નજીક હોય આ મુદ્દે નારાજગી મતમાં વ્યકત કરે તે પૂર્વે સુવિધારૂપ બનાવવાની મતદારોની માંગ.

ગોધરાના હાર્દ સમા હોળી ચકલા વિસ્તારમાં વર્ષો જુના શૌચાલયની સાફ સફાઈના અભાવે ગંદકી જાહેરમાં પ્રસરાવવાની સાથે તળાવમાં ગંદકી ઠલવાતી હોવાના કારણે લોકોની લાગણી દુભાવા સાથે વહેપારીઓ તથા સભ્યો દ્વારા વિરોધ કરીને નવી સુવિધાની માંગણી કરાઈ હતી. છેવટે બે-બે વર્ષ સુધી શૌચાલય સુવિધા વિહોણા રહેલ આ જગ્યા ઉપર આખરે પાલિકા એ મોબાઈલ શૌચાલય ઉભુ કર્યું છે પરંતુ કદથી નાનું તથા પાણીની સુવિધાનો અભાવ વચ્ચે ગંદકી તળાવમાં ઠલવાતી હોવાના લઈને છેલ્લા સાત-આઠ મહિનાથી ઉભુું કરવામાં આવેલ શૌચાલય ઉપયોગી વિહોણું શોભાના ગાંઠીયારૂપ ભાસી રહ્યું છે. હવે પાલિકાની ચુંટણી નજીક હોવાથી આ મુદ્દે પ્રજાજનો નારાજગી મતમાં વ્યકત કરે તે પૂર્વે સુવિધારૂપ બનાવવાની માંગ લોકો તથા વહેપારીઓ કરી રહ્યા છે.

ગોધરા શહેરમાં આવેલા હોળી ચકલાવિસ્તાર મુખ્ય કેન્દ્ર બજાર ગણવામાં આવે છે. અને અહીં આવેલ બજારમાં પંચમહાલ જીલ્લામાંથી મોટી સંખ્યામાં ખરીદાર્થો ઉમટી પડે છે. પરંતુ પાયની સુવિધારૂપ આવેલા શૌચાલયના કારણે ગંદકી પ્રસરાતી હોવાના દ્દશ્યો સર્જાતા હતા. ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ મુશ્કેલી વર્તાતી હતી. જાહેરમાં શૌચક્રિયા કરવામાં આવતાં ગંદકી સીધી પવિત્ર રામસાગર તળાવમાં ગરકાવ થતી હોવાના કારણે પાણી દુષિત થવાની સાથે અસહ્ય દુર્ગંધ આવતાં જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ખાસ કરીને આવા પવિત્ર જળમાં દુર્ગંધ યુકત પાણી વહેવાના કારણે પણ હિદુ સમાજના ભકતોની લાગણી દુભાઈ રહી હતી. આ શૌચાલય સોનીવાડ માંથી અન્યત્ર ખસેડવા તેમજ તળાવ પાસેની આ જગ્યાને ખુલ્લી કરવા માટે સ્થાનિક વહેપારીઓ તથા ભકતો દ્વારા માંગણી કરવામાં આવી હતી. પરંતુ નઘરોળ નગર પાલિકા દ્વારા વર્ષો સુધી જાહેરમાં ગંદકી ફેલાતા શૌચાલયને નિસ્તનાબૂદ કરવા માટે કોઈ પગલાં ભરવામાં આવતા ન હતા. એટલું જ નહીં શહેરના મધ્યમાં આવેલ બજારમાં એકમાત્ર ઉપયોગી શૌચાલયની નિયમીતપણે સાફ-સફાઈ કરવામાં પણ પાલિકા કોઈ ધ્યાન આપતી ન હતી. છેવટે આ આર.સી.સી. યુકત શૌચાલના બાંધકામને તોડી પાડીને જગ્યા ખુલ્લી કરીને અલાયદો શૌચાલય બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ગોધરા નગર પાલિકા દ્વારા બે-બે વર્ષના લાંબા સમયગાળા બાદ તોડી પડાયેલ શૌચાલયની જગ્યા એ મોબાઈલ શૌચાલય કે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં ન આવતાં સ્થાનિક વહેપારીઓ, રહિશો તથા જીલ્લાભરમાંથી આવતાં ગ્રાહકો પણ ભારે મુશ્કેલી વચ્ચે આ સ્થળે શૌચક્રિયા કરવામાં આવતાં ફરી એકવાર ગંદકીના દ્દશ્યો વચ્ચે નારાજગી વર્તાઈ રહી હતી. છેવટે સ્થાનિક સભ્ય સંજયભાઈ સોની તથા સ્થાનિક અગ્રણીઓએ જો વહેલીતકે શૌચાલય નહીં બનાવવામાં આવે તો ભૂખ હડતાળની ચિમકી ઉચ્ચારતા આખરે દોડતું થયેલ ગોધરા પાલિકા એ તળાવની અડોઅડ સિન્થેટીક શૌચાલય ઊભું કરતાં સુવિધા બાબતે અનુભવાયેલી આશાથી આનંદ વ્યાપ્યો હતો. પરંતુ દિવસો સુધી લોક મારવાની સાથે પાણીની સુવિધા આપવામાં આવી નથી. છેવટે વહેપારીઓએ પાલિકાની આવી ગુસ્તાખી સામે વિરોધ વ્યકત કરતા છેવટે લોક ખોલીને જાહેર જનતા માટે શૌચાલય ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા સાત-આઠ માસ ઉપરાંતનો સમય વિતવા છતાં આ શૌચાલય ઉપયોગી વિહોણું બનેલ છે.

એક તો આ શૌચાલય લંબાઈ-પહોળાઈ ટુંકી હોવાની સાથે પાણીની સુવિધા નથી. તથા સ્વચ્છતા જાળવવામાં આવતી નથી એટલું જ નહીં આ દુષિત પાણી સીધું તળાવમાં વહેતું હોવાને લઈને કેટલાક લોકો ઉપયોગ કરવાનો તાળી રહ્યા છે. વળી, ખૂબ અંદરની જગ્યાએ હોવાના કારણે જાહેર શૌચાલયની સુવિધા બાબતે જાણકારીના અભાવે લોકો ઉપયોગ નહીં કરતા લાંબા સમયથી શોભાના ગાંઠીયારૂપ ભાસી રહ્યું છે. લોકોના વિરોધ વચ્ચે રાતોરાત પાલિકા એ તૈયાર કરેલ આ શૌચાલય લોકોને માફક આવતું ન હોવાનીફરિયાદો ઉઠી રહી છે. એટલું જ નહીં પાલિકા એ આ ગંદકીના નિકાલ માટે કોઈ અલાયદી વ્યવસ્થા નહીં કરીને અગાઉની જેમ જ આ પેશાબ યુકત પાણી તળાવમાં ઠાલવવાની વાતને લઈને પણ પાલિકાની કાર્યરીતિ સામે નારાજગી અનુભવાઈ રહી છે. જોકે ગોધરા પાલિકામાં સત્તા ભોગવતા એવા આ વોર્ડ નં-૫ ના ચુંટાયેલા સભ્યો એ છેલ્લા કેટલાક માસ ઉપરાંતથી બંધ પડેલ શૌચાલય પુન: કાર્યકત કરવા અંગેના કોઈ પગલાં લેવામાં નહીં આવતાં પાલિકાનો ખર્ચો વ્યર્થ નિવડયો હોવાની લાગણી પણ પ્રજા અનુભવી રહી છે. ગોધરા શહેરમાં જાહેર શૌચાલયનો સદ્દંતર અભાવ વર્તાઈ રહ્યો છે. જીલ્લા મથક હોવાથી શૌચાલય જેવી અગત્યની સુવિધા ઉભી કરવાની પાલિકાની જવાબદારી હોવા છતાં ઉણી ઉતરી છે.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન હેઠળ શૌચાલય નિર્માણ કરવા માટે લાખોની ગ્રાન્ટ ફાળવીને જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે. તો બીજી તરફ બંધ રહેલ શૌચાલયના કારણે ગંદકી સર્જાઈને શૌચાલય માત્ર શોભાના ગાંઠીયા સમાન ભાસતા વડાપ્રધાનના સ્વપ્નને ધકકો પહોચ્યો હોવાની ઘાટ સર્જાયો છે.