દાહોદ, દાહોદના એમ.જી.રોડ વિસ્તારના વેપારીઓને શુક્રવાર સુધી સામાન પોત પોતાના દબાણો દુર કરી દેવા માટે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેના માટે ગુરૂવારે જ માપણી કરી કરી નિશાન કરી દેવાયા હતા. ત્યારે શુક્રવાર તારીખ 19 મેના રોજ એમજી રોડના વેપારીઓ નાગરિકોએ સ્વયંભુ દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
દાહોદ સ્માર્ટ સીટી તરફ હરણફાળ રીતે વધી રહ્યું છે. દાહોદ શહેરમાં 11 જેટલાં સ્માર્ટ રોડ બનાવવા માટે રસ્તાઓ પહોંળા કરવા માટે રસ્તાઓની આસપાસ અવરોધરૂપ દબાણો તોડી પાડવાની કામગીરી સ્માર્ટ સીટી અંતગર્ત વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ગત તા 18મી મેને ગુરૂવારના રોજ દાહોદ વહીવટી તંત્ર દ્વારા એમજી રોડના વેપારીઓ અને નાગરિકોને દબાણો હટાવવા સુચના આપી હતી. તેમજ દાહોદ સીટી સર્વેની ટીમ દ્વારા માપણી કરી નિશાન કરી દેવાયા હતા.જેથી શુક્રવારના રોજ વેપારીઓ નાગરિકોએ જાતે પોતાના ખર્ચે દબાણો તોડવાનુ શરૂ કરી કરી દીધું હતું. ઘરે ઘરે બ્રેકર દ્વારા દબાણ તોડવાના શરૂ કરાતા આખોયે વિસ્તાર બ્રેકરની ધણધણાટીથી ધ્રુજી ઉઠ્યો હતો.
સ્ટેશન રોડ, પાલિકા ચોક તેમજ અન્ય વિસ્તારોમાં દબાણોના વિધવંશ પછી એમજી રોડ પણ આજે દબાણ હટાવ કામગીરીથી ધમધમી ઉઠ્યો હતો. પ્રજામાં ફફડાટ સાથે દહેશત સાથે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. હવે શું થશે?તેવા એક જ સવાલ સાથે સો સમસમી રહ્યા છે. કારણ કે, તંત્રએ બે દિવસના વિરામની સીમા પૂર્ણ થઈ છે. જેથી કેટલાક વિસ્તારોમા હજી બુલડોઝર પહોંચ્યુ નથી ત્યારે સૌથી વધુ ફફડાટ અંતરિયાળ વિસ્તારોમાં પ્રવર્તિ રહ્યો છે.
ત્યારે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.કારણ કે જો તંત્ર દબાણ હટાવે તો વ્યાપક નુકસાન થવાનો ભય રહે છે. ત્યારે જો સ્વયં દબાણ હટાવે તો દાહોદમા મજૂર મળતા નથી અને મળે છે તો બમણી મજૂરી ચુકવવી પડે છે. દબાણ તોડવાના બ્રેકરના ભાડા પણ દોઢા અને બમણાં થઈ ગયા હોવાનુ જાણવા મળ્યુ છે. આટલી વિકટ સ્થિતિ સર્જાઈ હોવા છતાં શહેરનો એક પણ નાગરિક હરફ સુધ્ધાં ઉચ્ચારવા તૈયાર નથી.