દિવડાકોલોની, કડાણા મામલતદાર કચેરી ખાતે તલાટી તરીકે ફરજ બજાવતા વિજયભાઈ પરમાર કડાણા ગામ રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવે છે. બે મહિના અગાઉ ગામના શૈલેષભાઈ રાજપુતનુ જમીનમાં નામ દખલ કરવા વારસાઈ સંબંધિત કામગીરી કરી હતી. આ જમીનમાં હુમલો કરનાર ભરત હજુરીનુ પણ નામ હોય ત્યારે આ બાબતે ભરતભાઈ હજુરીએ જમીનમાં શૈલેષભાઈ રાજપુતનુ નામ કઈ રીતે દાખલ કર્યુ તે અંગે માહિતી માંગી હતી. તેમજ આ સંદર્ભે વાંધા અરજી કરી હતી. જે અરજી મામલતદાર કડાણા દ્વારા રદ્દ કરવામાં આવી હતી. ત્યારે વારસાઈની કામગીરી રેવન્યુ તલાટી દ્વારા ખોટી રીતે કરવામાં આવી હોવાની અદાવતમાં આરોપી ભરત હજુરી તલાટી પ્રત્યે રોષે ભરાતા તલાટી વિજયભાઈ પરમાર દિવડાકોલોની બહારની ચોકડી ઉપર ઓફિસ કામના કાગળ ઝેરોક્ષ કઢાવી નીકળતા અચાનક ભરત હજુરી આવીને તલાટીને લાંફા મારીને મારમારતા તલાટીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આરોપી દ્વારા ત્યારબાદ પાવડો લઈ હુમલો કરતા આસપાસના લોકોએ તલાટીને છોડાવ્યા હતા. આ હુમલામાં તલાટી વિજયભાઈ પરમારને વધુ ઈજાઓ પહોંચતા લુણાવાડા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે મામલતદાર કચેરીના કર્મચારી ઉપર થયેલ હુમલામાં કચેરીના કર્મચારીઓ દ્વારા કલેકટરને આરોપી વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યુ છે. જયારે હુમલામાં ધાયલ તલાટી વિજયભાઈ પરમાર દ્વારા કડાણા પોલીસ સ્ટેશન ખાતે ભરત હજુરી સામે જાનથી મારી નાંખવાના ઈરાદે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરાઇ હતી.