આઠ વર્ષના બાળકનું અપહરણ પછી હત્યા : લાશ બિલ્ડિંગના ભોંયરામાં પાણીના ડ્રમમાંથી મળી

સોનીપત, હરિયાણાના સોનીપતમાં, ધોરણ ૧૧ના વિદ્યાર્થીએ તેની જ શાળામાં ચોથા ધોરણમાં ભણતા બાળકનું અપહરણ કર્યું અને પછી તેની હત્યા કરી. આરોપીની ઉંમર ૧૬ વર્ષ છે. જ્યારે હત્યા થયેલા બાળકની ઉંમર સાડા આઠ વર્ષ હતી. બંને પાડોશી પણ હતા. આ ઘટના સોનીપતના હાઈરાઈઝ એપાર્ટમેન્ટ ટીડીઆઈ એસ્પેનિયામાં બની હતી. બાળકની લાશ એ જ બિલ્ડિંગના ભોંયરામાં પાણીના ડ્રમમાંથી મળી આવી હતી.મૃતક વિદ્યાર્થીનું નામ અરિજીત ઉર્ફે હન્નુ હતું. તેના પિતા અજીત ત્રિપાઠી સોનીપતમાં પેટીએમના એરિયા સેલ્સ મેનેજર છે. સોમવારે સાંજે તેમને તેમના પુત્ર હન્નુના અપહરણની જાણ થઈ. ઘરમાંથી ૬ લાખની ખંડણીનો પત્ર પણ મળી આવ્યો હતો. રાતોરાત ૪ લાખ રૂપિયાની વ્યવસ્થા પણ કરી હતી, પરંતુ હન્નુની ડેડ બોડી લગભગ ૪ વાગ્યે મળી આવી હતી. તપાસ દરમિયાન હન્નુ છેલ્લે પોલીસ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં આરોપી સાથે જોવા મળ્યો હતો. આના પર સોનીપતના બહલગઢ પોલીસ સ્ટેશને શંકાના આધારે સગીર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે અપહરણ અને હત્યાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે તેણે સોમવારે જ હત્યા કરી હતી. તે પછી તે ઘરે આવ્યો અને જમ્યો અને ખંડણીનો પત્ર લખીને હન્નુના ઘરે લાવ્યો.

અજીત ત્રિપાઠી તેની પત્ની અને પુત્ર સાથે ટીડીઆઇ એસ્પેનિયાના એક લેટમાં રહે છે. તે યુપીના સિદ્ધાર્થ નગર જિલ્લાના ડુમરિયાગંજ તહસીલના વીરપુર-રતનપુર ગામના રહેવાસી છે. ત્રિપાઠી ડિસેમ્બર ૨૦૨૨માં લખનઉથી ટ્રાન્સફર થયા બાદ સોનીપત આવ્યા હતા. અજીતનો સાડા આઠ વર્ષનો પુત્ર હન્નુ સોનીપતની એક ખાનગી શાળાનો વિદ્યાર્થી હતો. સોમવારે સાંજે તે સોસાયટીમાં જ બાળકો સાથે રમવા ગયો હતો અને તે દરમિયાન ગાયબ થઈ ગયો હતો. મોડી સાંજ સુધી હન્નુ પરત ન આવતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ઘણા કલાકોની શોધખોળ બાદ પણ હન્નુ મળી આવ્યો ન હતો. રાત્રે ૨ વાગ્યે ઘરના આંગણામાં એક પત્ર પડેલો મળી આવ્યો હતો. જેમાં હન્નુના અપહરણની માહિતી આપતાં ૬ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જેના કારણે પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ પણ પહોંચી ગઈ હતી. પરિવારને મળેલો ખંડણીનો પત્ર હિંગ્લિશમાં હતો. જેમાં લખ્યું હતું કે તમારો પુત્ર અમારી સાથે છે. જો તમે તેને જીવંત જોવા માગતા હોવ તો તમારી પાસે આજની રાત સુધીનો સમય છે. ૬ લાખ રૂપિયા સાથે TDI રોયલના ગેટ નંબર-૨ સામે ઉભો હતો. મારો માણસ સવારે ૫ વાગ્યે તમારી પાસેથી પૈસા લઈ જશે.

મારી બધી નજર તમારા પર છે. પોલીસને કે અન્ય કોઈને કહેશો તો તમારા દીકરાને સીધો ઉપર પહોંચાડી દઈશ. મારો માણસ પૈસા લાવશે કે તરત જ તમારો દીકરો ૬ વાગ્યા સુધીમાં તમારી પાસે પહોંચી જશે. હવે નિર્ણય તમારા હાથમાં છે કે પૈસા વહાલા છે કે પુત્ર.પોલીસે જણાવ્યું કે હન્નુની લાશ સોસાયટીના ભોંયરામાં મળી આવી હતી. તેના માથા પર ૧૫ ઈજાના નિશાન હતા અને ગળું દબાવવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ પછી, જ્યારે પોલીસે ભોંયરામાં અને બિલ્ડિંગમાં લગાવેલા ક્લોઝ સર્કિટ કેમેરાના ફૂટેજને સ્કેન કરવાનું શરૂ કર્યું, ત્યારે હન્નુ પાડોશમાં રહેતા એક છોકરા સાથે જતો જોવા મળ્યો હતો. આ છોકરો હન્નુની જ સ્કૂલમાં ૧૧મા ધોરણમાં અભ્યાસ કરે છે.

સગીર આરોપીએ જણાવ્યું કે સાંજે તે હન્નુને બિલ્ડિંગના બેઝમેન્ટમાં લઈ ગયો. તે તેને મારવા માગતો ન હતો, પરંતુ જ્યારે તેણે ભોંયરામાં તેના હાથ-પગ બાંધવાનું શરૂ કર્યું ત્યારે હન્નુ રડવા લાગ્યો. આના કારણે, તે ડરી ગયો અને ગભરાટમાં તેણે લોખંડની પાનાથી (નટ્સ અને બોલ્ટ્સ ખોલવાનું સાધન) વડે તેના માથા પર ઘણી વાર હુમલો કર્યો. હન્નુના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને તે નીચે પડી ગયો.તેને લાગ્યું કે જ્યારે હન્નુ ભાનમાં આવશે ત્યારે તે પકડાઈ જશે, તેથી તેણે તેનું ગળું દબાવી દીધું. જ્યારે તેને ખાતરી થઈ કે હન્નુ મરી ગયો છે, ત્યારે તેણે તેનો મૃતદેહ ઉપાડીને ભોંયરામાં પડેલા પાણીના ડ્રમમાં ફેંકી દીધો.