વોશિગ્ટન, અમેરિકાની એક અદાલતે ૨૬/૧૧ મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. ભારત માટે આ એક મોટી જીત છે. રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન છે. ભારતીય સત્તાવાળાઓએ રાણા પાસેથી ૨૦૦૮ના મુંબઈ હુમલાની તપાસની માંગ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે તે હુમલામાં રાણા પણ સામેલ હતો એનઆઇએ આ મામલાની તપાસ કરી રહી છે.
ભારતને આ નિર્ણયની અપેક્ષા હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિના પહેલા ભારત પ્રત્યાર્પણની તૈયારી કરી રહ્યું હોવાની માહિતી મળી હતી. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ ૨૦૦૮માં મુંબઈ પર હુમલો કર્યો હતો. ભારતે ૧૦ જૂન ૨૦૨૦ના રોજ તહવ્વુર રાણા વિશે ફરિયાદ કરી હતી. ભારતે આ ૬૨ વર્ષીય આરોપીની અસ્થાયી ધરપકડની માંગ કરી હતી. ભારતની વિનંતી પછી, બિડેન સરકારે તેને ટેકો આપ્યો અને તેને મંજૂરી આપી.
આ કેસની સુનાવણી યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઑફ કેલિફોનયામાં થઈ હતી. અમેરિકી મેજિસ્ટ્રેટ જસ્ટિસ જેક્લીન ચુલજિયાને કહ્યું કે કોર્ટ સમક્ષ મુકવામાં આવેલા પુરાવા સંપૂર્ણપણે વિચારણા કરવા યોગ્ય છે. તેમણે કહ્યું કે ભારત દ્વારા જે પણ પુરાવા આપવામાં આવ્યા છે તેનો નજીકથી અભ્યાસ કરવામાં આવ્યો છે. આ પછી જ નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવારે કોર્ટે ૪૮ પાનાનો આદેશ જારી કર્યો હતો. કોર્ટે સ્વીકાર્યું કે રાણાનું પ્રત્યાર્પણ વાજબી છે.
જ્યારે કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે જો બિડેન સરકારના વકીલોએ દલીલ કરી હતી કે તહવ્વુર રાણા જાણતો હતો કે તેનો બાળપણનો મિત્ર પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી આતંકવાદી સંગઠન લશ્કરનો સભ્ય છે. આ પછી પણ તે હેડલી સાથે જ રહ્યો. રાણાએ પોતાની પ્રવૃત્તિઓ છુપાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. આ સિવાય આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને પણ સમર્થન આપે છે.
કોર્ટને એ પણ કહેવામાં આવ્યું કે તહવ્વુર રાણા હેડલીની રણનીતિ અને મીટિંગ્સ વિશે બધું જ જાણતો હતો. અમેરિકી સરકારે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે રાણા પણ તે ષડયંત્રનો એક ભાગ હતો. બીજી તરફ, રાણાના વકીલે સતત આ આરોપોને નકારી કાઢ્યા અને તેમના અસીલનો બચાવ કર્યો. રાણાના વકીલે પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો.