ઇટાલીમાં વર્ષે પડે તેના અડધા ભાગનો વરસાદ ૩૬ કલાકમાં વરસ્યો: ૮નાં મોત, હજારો લોકો બેઘર બન્યા

એમિલિયા, ઇટાલીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ૮ લોકોના મોત થયા છે. તે જ સમયે, નાગરિક સુરક્ષા મંત્રી નેલો મુસુમેસીએ કહ્યું – એક વર્ષમાં પડેલા વરસાદમાંથી અડધો વરસાદ છેલ્લા ૩૬ કલાકમાં થયો છે. ઇટાલીમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન ૧૦૦૦ મીમી વરસાદ પડે છે. ત્યાં ૩૬ કલાકમાં ૫૦૦ મીમી વરસાદ પડ્યો છે.

અધિકારીઓએ કહ્યું- એમિલિયા-રોમાગ્ના વિસ્તાર પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ફેઝા, સેસેના અને ફોરલી એમ ત્રણ શહેરોના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા. અનેક મકાનોને નુક્સાન થયું છે. હજારો લોકો બેઘર બન્યા છે. કેટલાક લોકો ઘરોમાં પણ ફસાયેલા છે.

સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં પૂરના કારણે થયેલી તબાહી અને મદદની રાહ જોઈ રહેલા લોકો જોઈ શકાય છે. તે જ સમયે, એક વીડિયોમાં, કોસ્ટ ગાર્ડ લોકોને એરલિફ્ટ કરતા જોવા મળે છે.

એમિલિયા-રોમાગ્ના પ્રદેશમાં યોજાનારી કાર રેસિંગ ચેમ્પિયનશિપ ફોર્મ્યુલા વન (હ્લ૧) ભારે વરસાદ બાદ રદ કરવામાં આવી છે. ફોર્મ્યુલા વન અધિકારીએ જણાવ્યું – પૂરના કારણે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. સુરક્ષાના કારણોસર હાલમાં રેસ રદ કરવામાં આવી છે.

આ એ જ ટ્રેકની તસવીર છે જ્યાં રેસ થવાની હતી. તેની નજીક સેન્ટેર્નો નદી વહે છે, જે વરસાદને કારણે ઓવરલો થઈ ગઈ છે. ટ્રેક પર પાણી છે.

કોસ્ટ ગાર્ડના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ૫ હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એમિલિયા-રોમાગ્ના પ્રદેશમાં ૧૫ નદીઓમાં પૂર આવ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ આ જ વિસ્તારમાં પૂર આવ્યું હતું. ત્યારબાદ ૧૨ લોકોના મોત થયા હતા. કેટલાક લોકોએ જણાવ્યું કે હોસ્પિટલ, એરપોર્ટ તરફ જતા રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. ઘણા ગામડાઓનો શહેરો સાથે સંપર્ક તૂટી ગયો છે