તમિલનાડુમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો

નવીદિલ્હી, તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. તે પછી, ઘણી રાજ્ય સરકારોએ સરકારી કર્મચારીઓને ભેટ આપીને મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય કર્યો છે. હવે તામિલનાડુની એમકે સ્ટાલિન સરકારે એક મોટી જાહેરાત કરી છે. તમિલનાડુ સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૪ ટકા વધારીને ૩૮ ટકાથી વધારીને ૪૨ ટકા કર્યું છે.

મોંઘવારી ભથ્થામાં વધારાનો આ નિર્ણય ૧ એપ્રિલ, ૨૦૨૩થી લાગુ ગણવામાં આવશે. બુધવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે, આ પગલાથી તિજોરી પર વાષક રૂ. ૨,૩૬૬.૮૨ કરોડનો વધારાનો બોજ પડશે. સરકારના આ નિર્ણયથી ૧૬ લાખ સરકારી કર્મચારીઓ, શિક્ષકો, પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને ફાયદો થશે.

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય શુક્રવારે (૨૪ માર્ચ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થું ૩૮ ટકાથી વધારીને ૪૨ ટકા કરવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થામાં આ વધારો જાન્યુઆરી ૨૦૨૩થી લાગુ થશે.