- ૨૦૧૬ના આતંકી હુમલા બાદ સુરક્ષા આપવામાં આવી હતી.
ઢાકા, બાંગ્લાદેશ હવે ભારતીય દૂતાવાસના કાફલા અને ટોપ ડિપ્લોમેટ્સને એકસ્ટ્રા સિક્યોરિટી કવચ આપશે નહીં. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો.અબ્દુલ મોમેને મંગળવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. મોમેને કહ્યું છે – અમે રાજદ્વારીઓને એકસ્ટ્રા સિક્યોરિટી આપવા માટે અમારા કરદાતાઓના પૈસા ખર્ચીશું નહીં.ભારત ઉપરાંત અમેરિકા, સાઉદી અને બ્રિટનના રાજદૂતો પાસેથી પણ વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે. જો કે, સામાન્ય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાનું ચાલુ રહેશે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, આ નિર્ણય અંગેનો પત્ર ચારેય દૂતાવાસોને ગયા સપ્તાહે જ મોકલવામાં આવ્યો છે.
બાંગ્લાદેશે વધારાની સુરક્ષા પાછી ખેંચવાનું કારણ આપ્યું છે. ઢાકા પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, ચાર દેશો સિવાય અન્ય દૂતાવાસોએ પણ એકસ્ટ્રા કવરની માંગણી શરૂ કરી દીધી હતી. જ્યારે, ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ઢાકા પોલીસ પાસે મેનપાવરની અછતને કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો કોઈ દૂતાવાસને વધારાનું કવર જોઈતું હોય તો તે ખાનગી કંપનીઓને પૈસા ચૂકવીને આવી સેવા લઈ શકે છે. ઢાકા સ્થિત ભારતીય દૂતાવાસે હજુ સુધી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી. બીજી તરફ, જ્યારે એક પત્રકારે મોમેનને પૂછ્યું કે શું આ નિર્ણયથી તે દેશો સાથે બાંગ્લાદેશના સંબંધો બગડશે તો મોમેને જવાબ આપ્યો કે, મને નથી લાગતું કે આવું કંઈ થશે.
બાંગ્લાદેશે ઢાકામાં રેસ્ટોરન્ટ પર ૨૦૧૬માં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સહિત ચારેય દેશોને વધારાનું સુરક્ષા કવચ આપ્યું હતું. આ હુમલામાં એક ભારતીય યુવતી સહિત ૧૭ વિદેશી નાગરિકોના મોત થયા હતા. હુલ્લડ વિરોધી પોલીસ ટીમ એકસ્ટ્રા સિક્યોરિટી કવચ હેઠળ રાજદૂતના કાફલાની સાથે હતી, જે હવે ત્યાં રહેશે નહીં.
ભારતીય દૂતાવાસના કાફલામાંથી વધારાનું સુરક્ષા કવચ હટાવવાની જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર ગયા અઠવાડિયે હિંદ મહાસાગર પર એક બેઠકમાં ભાગ લેવા માટે ઢાકા ગયા હતા. આ દરમિયાન તેઓ બાંગ્લાદેશના વિદેશ મંત્રી મોમેન અને વડાપ્રધાન શેખ હસીનાને પણ મળ્યા હતા.
બાંગ્લાદેશમાં રવિવારે ૧૪ હિન્દુ મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હતો અને ૨૭ મૂતઓની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના બલિયાડાંગી ઉપજિલ્લાના ઠાકુરગાંવની છે. માહિતી મળતાની સાથે જ ડેપ્યુટી કમિશનર મહબુબુર રહેમાન અને એસપી મોહમ્મદ જહાંગીર હુસૈન ઘટના સ્થળે પહોંચી ગયા હતા.