ધ કેરલા સ્ટોરી ફિલ્મ પરથી બેન હટાવાયો: સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી સરકારને તતડાવી,આદેશ પર મૂક્યો સ્ટે

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે (૧૮ મે) ’ધ કેરલા સ્ટોરી’ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પશ્ર્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ફિલ્મથી લોકોને ઉશ્કેરવાનો ભય છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, લોકોની ભાવનાઓના આધારે તમે મૂળભૂત અધિકારોમાં અવરોધ ન લાવી શકો. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સરકારનું કામ છે. જો કોઈ જિલ્લાની વિશેષ સ્થિતિને કારણે પ્રતિબંધ મુકાયો હોત તો અલગ વાત હોત. તમે સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ મૂક્યો છે.

સીજેઆઇએ કહ્યું કે અમે પશ્ર્ચિમ બંગાળ સરકાર દ્વારા ૮ મેના રોજ ફિલ્મ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી રહ્યા છીએ. આ પ્રતિબંધ માટે કોઈ નક્કર આધાર હોય તેવું લાગતું નથી. તેમણે કહ્યું કે અમે તમિલનાડુ સરકારના નિવેદનને રેકોર્ડ પર લઈ રહ્યા છીએ કે તેણે કોઈ પ્રતિબંધ લાદ્યો નથી. થિયેટર માલિકો પર ફિલ્મ ન બતાવવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. અમે નિર્દેશ આપી રહ્યા છીએ કે, ફિલ્મ દર્શાવતા સિનેમા હોલમાં પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે. સરકાર કે તેની સાથે સંકળાયેલા લોકોએ થિયેટર માલિકો પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવું જોઈએ.

આ સાથે સીજેઆઈએ કહ્યું કે, ફિલ્મના નિર્માતાઓએ એક ડિસ્ક્લેમર મૂકવું જોઈએ કે ૩૨,૦૦૦ છોકરીઓ ગુમ થયાના આંકડાની પુષ્ટિ થઈ નથી. આ ડિસ્ક્લેમર ૨૦ મેના રોજ સાંજે ૫ વાગ્યા સુધીમાં મુકી દેવાનું રહેશે. હવે આ મામલાની સુનાવણી ૧૮ જુલાઈએ થશે. સીજેઆઈએ કહ્યું કે, અમે મદ્રાસ અને કેરળ હાઈકોર્ટના ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના ઈન્કારના આદેશ વિરુદ્ધ જુલાઈના બીજા સપ્તાહમાં સુનાવણી કરીશું.

પશ્ર્ચિમ બંગાળ સરકારે ૮ મેના રોજ ફિલ્મ ’ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પ્રતિબંધ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે રાજ્યમાં શાંતિ જાળવવા માટે આવું કરવામાં આવ્યું છે. આમ કરીને અમે હિંસા રોકવા માંગીએ છીએ. બેનર્જીએ કહ્યું હતું કે કાશ્મીરી ફાઇલ્સ ફિલ્મ શા માટે બનાવવામાં આવી? આ એક સમુદાયને અપમાનિત કરવા માટે કરવામાં આવ્યું હતું. કેરળ ફાઇલ શું છે? હવે કેરળને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય સામે ’ધ કેરળ સ્ટોરી’ના નિર્માતા સનશાઈન પ્રોડક્શને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.