મહારાષ્ટ્રમાં ફરી હંગામો: ટોળાએ લગ્નની ‘જાન’ પર પથ્થરમારો કર્યો, પોલીસે લોકો ઉપર લાઠીચાર્જ કર્યો

  • ડીજે પર કંઈક એવું ગીત વગાડવામાં આવી રહ્યું હતું જે તે વિસ્તારમાં રહેતા લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યું હતુ.

મુંબઇ, મહારાષ્ટ્રના બુલઢાણામાં ગઈકાલે રાત્રે કેટલાક લોકોએ એક સરઘસ પર પથ્થરમારો કર્યો, જેના પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે સરઘસ એક વિસ્તારમાંથી નીકળી રહ્યું હતું, ત્યારે ડીજે પર કંઈક એવું ગીત વગાડવામાં આવી રહ્યું હતું જે તે વિસ્તારમાં રહેતા લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યું હતું, આનો વિરોધ કરીને તેઓએ સરઘસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે હિંસા રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં ૧૩ લોકો ઘાયલ થયા છે અને પોલીસે ૩૦ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે, આ સાથે પોલીસે ૧૫ લોકોની અટકાયત કરી છે.

મહારાષ્ટ્રના અકોલા શહેરમાં હિંસાને પગલે ૧૦૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને આઠ ઘાયલ થયા છે. ઘુગેએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે અકોલાના ઓલ્ડ સિટી વિસ્તારમાં એક ધાર્મિક પોસ્ટ પર બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે આઠ ઘાયલોમાં બે પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. જ્યારે મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજને દાવો કર્યો હતો કે હિંસા સંભવત: “પૂર્વ આયોજિત હતી”, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કેટલાક સંગઠનો અને લોકો છે જે રાજ્યને અસ્થિર કરવા માંગે છે, પરંતુ સરકાર તેમને પાઠ ભણાવશે. મહાજને રવિવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “આશંકા છે કે આ ઘટના પૂર્વ આયોજિત હતી. કેટલાક મકાનો અને વાહનોને નુક્સાન થયું છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” તમને જણાવી દઈએ કે, અકોલા બાદ મહારાષ્ટ્રના અહમદનગરમાં પણ હિંસા થઈ હતી.