પંચમહાલ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ઘોઘંબા તાલુકાના કણબી પાલ્લી ખાતે રાત્રી ગ્રામસભા યોજાઈ

ગોધરા, પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના કણબી પાલ્લીખાતે જીલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રામલોકોએ પોતાના પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. જેનો જીલ્લા કલેકટરએ ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.

આ સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓનો અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. વિધવા અને વૃધ્ધ સહાય યોજના, રસ્તા, વીજ પુરવઠો,પાણી પુરવઠાના પ્રશ્ર્નો અંગે જીલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓને સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

ઘોઘંબા તાલુકાની મુલાકાત દરમ્યાન જીલ્લા કલેકટરએ કણબી પાલ્લી ગામે તલાટી દફતરની સામાન્ય તપાસણી કરી નિભાવવાના રજીસ્ટર વગેરેની જાત ચકાસણી કરી સબંધિત તમામને જરૂરી સુચનાઓ આપી હતી.

ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્ર્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રી સભામાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણા,હાલોલ પ્રાંત અધિકારી મયુર પરમાર,મામલતદાર સહિત સબંધીત જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ગામલોકો હાજર રહ્યા હતા.