ગોધરા, ગોધરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગ્રામજનોની પાણીની સમસ્યા દુર થાય તે માટે નવીન હેન્ડપંપ મુકવા અંગે પંચમહાલ જિલ્લા કલેકટરને આગેવાનો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી.
ગોધરા તાલુકાના 116 ગામોમાં ગામદીઠ 5 નવીન હેન્ડપંચ મુકવા રજુઆતો કરતો પત્ર પાઠવ્યો હતો. હાલ ઉનાળાની શરૂઆત થવાથી પાણીનો સ્ત્રોત નીચે ગયેલ છે. અને ભુતકાળમાં 75 ફુટ જેટલી મર્યાદામાં હેન્ડપંપ થયેલ હોય પાણી આવતુ નથી અને ગામોમાં છુટી છવાયેલી વસ્તી હોય લાંબુ અંતર કાપી પાણી લેવા જવુ પડે છે. સાથે નલ સે જલ યોજનાની કામગીરી અધુરી છે. અને નિયમોનુસાર થયેલ નથી અને જેના કારણે તે યોજના અન્વયે પણ પીવાનુ પાણી મળતુ નથી. જેથી પાણીની વ્યવસ્થા કરવી જરૂરી જણાય છે. ત્યારે જિલ્લા પંચાયતના દંડક દ્વારા પાણી સમિતિની બેઠક બોલાવી જરૂરિયાતવાળા ગામોમાં નવીન હેન્ડપંપની માહિતી મેળવીને સત્વરે નવીન હેન્ડપંપ મુકાય તેવી કાર્યવાહી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.