ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પીટીઆઇના ચીફ ઈમરાન ખાનના ઘરને પોલીસની ટીમે ઘેરી લીધુ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઈમરાનના ઘરમાં ૩૦ થી ૪૦ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. ત્યારબાદ ઈમરાનના ઘર જમાન પાર્કમાં મિલિટ્રી ઓપરેશનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાની પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને બુધવારે બપોરે ઈનપુટ મળ્યા હતા કે, પેશાવર કોપ્સ કમાન્ડરના ઘર પર હુમલાના આરોપીઓ ઈમરાનના ઘરમાં છુપાયેલા છે. જે બાદ ઈમરાનના ઘરની ઘેરાબંધી કરવામાં આવી છે. પોલીસે આતંકીઓને ઘરની બહાર નીકળવાનું અલ્ટીમેટમ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આવું નહીં થાય તો પોલીસ-ફોર્સની ટીમ ઈમરાનના ઘરમાં ઘૂસીને આતંકીઓને ઠાર કરશે. આ દરમિયાન ઈમરાન સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે.
ઈમરાન ખાન અને તેના સમર્થકો સામે આર્મી એક્ટની કલમ ૫૯ અને ૬૦ હેઠળ કાર્યવાહી કરવાની અટકળો બાદ પોલીસની આ ઘેરાબંધી સામે આવી છે. આ કલમ નાગરિક અપરાધો માટે લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત જો દોષી સાબિત થાય તો ગુનેગાર માટે મૃત્યુદંડની જોગવાઈ છે. ઈમરાન વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ કેસ નોંધવાનું કારણ ઈમરાનના સમર્થકો દ્વારા સેનાની સંપત્તિને નુક્સાન પહોંચાડવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઈમરાનના ઘરની બહાર પોલીસની ખબર સાંભળી તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ટૂંક સમયમાં ઈમરાન ખાનના ઘર પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.