- છત્તીસગઢ સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓની બંધારણીય માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી.
નવીદિલ્હી, છત્તીસગઢ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) રાજ્યના એક્સાઇઝ અધિકારીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પણ મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ઈડીને ભયજનક વાતાવરણ ન બનાવવાની સૂચના આપી છે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર છત્તીસગઢ સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે ’દુર્વ્યવહાર’ કરવાનો અને રાજ્યમાં રૂ. ૨,૦૦૦ કરોડના દારૂના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગના કેસોમાં કેટલાક આરોપ મૂકવામાં આવ્યો છે.
જસ્ટિસ એસ કે કૌલ અને એ અમાનુલ્લાહની બેંચ સમક્ષ રાજ્ય સરકારે આક્ષેપ કર્યો હતો કે રાજ્યના આબકારી વિભાગના ઘણા અધિકારીઓએ ફરિયાદ કરી છે કે ઈડી તેમને અને તેમના પરિવારના સભ્યોની ધરપકડ કરવાની ધમકી આપી રહી છે અને મુખ્ય મંત્રીને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે દાવો કર્યો હતો કે અધિકારીઓએ કહ્યું છે કે તેઓ વિભાગમાં કામ કરશે નહીં.
છત્તીસગઢ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બેંચને કહ્યું કે, ઈડ્ઢ ખરાબ વર્તન કરી રહી છે. તેઓ એક્સાઈઝ અધિકારીઓને ધમકી આપી રહ્યા છે. આ આશ્ર્ચર્યજનક સ્થિતિ છે. હવે ચૂંટણી આવી રહી છે એટલે આવું થઈ રહ્યું છે. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ, ઈડીનો પક્ષ લેતા આરોપોનો વિરોધ કર્યો અને કહ્યું કે તપાસ એજન્સી રાજ્યમાં એક કૌભાંડની તપાસ કરી રહી છે. આના પર, બેન્ચે કહ્યું, જ્યારે તમે આ રીતે વર્તન કરો છો, ત્યારે એક માન્ય કારણ પણ શંકાસ્પદ બની જાય છે, ભયનું વાતાવરણ ન બનાવો.
ગયા મહિને, છત્તીસગઢ સરકારે પીએમએલએની કેટલીક જોગવાઈઓની બંધારણીય માન્યતાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ બિન-ભાજપ સરકારની સામાન્ય કામગીરીને ડરાવવા, હેરાન કરવા અને વિક્ષેપિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓની બંધારણીય માન્યતાને કોર્ટમાં પડકારનાર છત્તીસગઢ પ્રથમ રાજ્ય બન્યું છે. ભૂપેશ બઘેલની કોંગ્રેસ સરકારે બંધારણની કલમ ૧૩૧ હેઠળ કાયદાને પડકારતો દાવો દાખલ કર્યો હતો.