પટણા, લાલુ યાદવ માટે મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઈએ રેલ્વેમાં નોકરીના બદલામાં આચરેલા જમીન કૌભાંડ પર કાર્યવાહી તેજ કરી છે. સીબીઆઈએ હવે લાલુ યાદવના પરિવારના તમામ સભ્યોના નામે ખરીદેલી મિલક્તોની વિગતો માંગી છે. જેમાં રાબડી દેવી સહિત લાલુ યાદવ, તેમના બે પુત્રો, સાત પુત્રીઓ અને જમાઈને ૨૦૦૪ થી ૨૦૦૯ વચ્ચે ખરીદેલી સંપત્તિની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ, ઇડીએ લાલુ, નજીકના ભોલા યાદવ અને ચાર કંપનીઓ સહિત પરિવારના આઠ સભ્યોની કુલ સંપત્તિની વિગતો માંગી હતી.
સીબીઆઈ એસપી, આર્થિક ગુના એકમે રાજ્યના નોંધણી મહાનિરીક્ષક (આઈજી)ને પત્ર જારી કરીને વિગતો આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભમાં, સહાયક નોંધણી મહાનિરીક્ષક મનોજ કુમાર સંજયે રાજ્યના તમામ જિલ્લાના રજિસ્ટ્રાર અને અન્ડર રજિસ્ટ્રારને સૂચનાઓ આપી છે. જેમાં તમામ વિગતો સીધી પોલીસ અધિક્ષક, સીબીઆઈને મોકલવા માટે કહેવામાં આવ્યું છે.
સીબીઆઈ એસપીએ પત્રમાં લખ્યું છે કે તપાસ કરવામાં આવી રહી છે. આ માટે બિહારમાં ૨૦૦૪ થી ૨૦૦૯ વચ્ચે લાલુ પ્રસાદ અને તેમના પરિવારના તમામ સભ્યોના નામે ખરીદેલી, ભેટમાં આપવામાં આવેલી અથવા લીઝ પર આપવામાં આવેલી સ્થાવર મિલક્તની પણ તપાસ કરવી જરૂરી છે.
સીબીઆઇ દ્વારા જે લોકો પાસેથી જવાબ મંગાયો છે તેમાં – લાલુ પ્રસાદ,- રાબડી દેવી,- તેજસ્વી પ્રસાદ યાદવ,- તેજ પ્રતાપ યાદવ,- મીસા ભારતી – પતિ શૈલેષ કુમાર,- રોહિણી આચાર્ય – પતિ સમરેશ સિંહ,- ચંદા યાદવ – પતિ વિક્રમ સિંહ,- રાગિણી યાદવ – પતિ રાહુલ યાદવ,- ધનુ યાદવ ઉર્ફે અનુષ્કા યાદવ – પતિ ચિરંજીવ રાવ,- હેમા યાદવ – પતિ વિનીત યાદવ,- રાજ લક્ષ્મી યાદવ – પતિ તેજ પ્રતાપ સિંહ યાદવ.
રેલ્વેમાં નોકરી માટે જમીન કૌભાંડની સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડમાં લગભગ ૪૦૦૦ લોકોને નોકરી આપવામાં આવી હતી. આ કૌભાંડ કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવના કાર્યકાળ દરમિયાન થયું હતું.