ગોધરા, ગોધરા તાલુકાના ગઢ ગામના રાવળ ફળિયામાં અનિયમિત વીજ પુરવઠો અને લો-વોલ્ટેજથી ત્રાસીને ગામના દીનુભાઈ રાવળે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઓનલાઈન ફરિયાદ કરી છે. ગ્રામજને કરેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, ગઢ ગામના રાવળ ફળિયામાં વર્ષોથી અનિયમિત રાત્રિના સમયે લાઈટ બંધ કરી દેવામાં આવે છે તેમજ લો-વોલ્ટેજની સમસ્યા ઉદ્ભવી રહી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક તરફ કુવામાં પાણીના સ્તર ઉંડા થઈ રહ્યા છે મોટર ન ઉપડતા બોરમાંથી પણ પાણી શકાતુ નથી. જેથી પીવાના પાણી તેમજ પશુઓને પણ પાણી પીવડાવવાની સમસ્યા ઉદ્ભવી રહી છે. લાંબા સમયથી લો-વોલ્ટેજના કારણે વીજ ગ્રાહકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એમજીવીસીએલની બેદરકારી તેમજ વારંવાર વીજ ધાંધિયાના કારણે ઈલેકટ્રીક સાધનો પણ ઉડી જાય છે જેથી ગ્રાહકો તોબા પોકારી ઉઠ્યા છે. દિનુભાઈ રાવળના જણાવ્યાનુસાર આ અગાઉ પણ અમે સશરપંચના લેટરપેડ સાથે ધારાસભ્યને રજુઆત કરેલ છે. ગોધરા એમજીવીસીએલને પણ લેખિત રજુઆત કરેલ છે. છેલ્લા ધણા સમયથી અમારા વિસ્તારમાં લો-વોલ્ટેજનો પ્રશ્ર્ન છે.જેથી તેનો કોઈ નિકાલ નહિ આવે તો અમારે નાછુટકે ગોધરા એમજીવીસીએલ કચેરી સામે ઉગ્ર આંદોલન કરીશુ તેવી ચિમકી ઉચ્ચારી છે.