ઉમેશ પાલના હત્યારા, શાઈસ્તા, ગુડ્ડુ અને સાબીરને સાણસામાં લેવા લુકઆઉટ નોટિસ જાહેર, હવે વિદેશ ભાગી નહી શકે

પ્રયાગરાજ,ઉમેશ પાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી માફિયા અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન, શૂટર ગુડ્ડુ મુસ્લિમ અને સાબીર ફરાર છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ત્રણેય વિદેશ ભાગી જવાની તૈયારીમાં છે. હવે ત્રણેય વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. પ્રયાગરાજ પોલીસ કમિશનરેટે ઉમેશ પાલ હત્યા કેસમાં ત્રણેય વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.

જ્યારે કોઈ ગુનેગાર દેશની બહાર ભાગી જવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને જવાથી રોકવા માટે લુક આઉટ સર્ક્યુલર અથવા લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવે છે. જ્યારે બદમાશો ઉમેશ પાલની હત્યા કરીને પ્રયાગરાજ છોડી રહ્યા હતા ત્યારે આરોપ છે કે શાઇસ્તાએ બદમાશોને આર્થિક મદદ કરી હતી.

જ્યારે ઉમેશની હત્યા થઈ ત્યારે અતીકની પત્ની શાઈસ્તા પણ પ્રયાગરાજથી ભાગી ગઈ હતી. આ સાથે જ ઉમેશ હત્યા કેસને અંજામ આપનાર ગુડ્ડુ મુસ્લિમ અને સાબીર પણ દેશના અલગ-અલગ રાજ્યોમાં ફરાર છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ગુડ્ડુ ચેન્નાઈમાં ક્યાંક છુપાયો છે. ત્યારબાદ ઓડિશામાંથી એક વીડિયો સામે આવ્યો, જેમાં તે એક વિસ્તારમાં ચાલતો જોવા મળ્યો હતો.

બીજી તરફ, સાબીર વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે યુપીના જ કેટલાક જિલ્લામાં છુપાયેલો છે. પોલીસે સાબીરને પકડવા કૌશાંબીમાં દરોડો પાડ્યો હતો. પરંતુ, પોલીસને ત્યાં સાબીર મળ્યો ન હતો. ગુડ્ડુએ ઉમેશ પર બોમ્બ વડે હુમલો કર્યો હતો જ્યારે સાબીરે પિસ્તોલ વડે હુમલો કર્યો હતો. એવું કહેવાય છે કે જ્યારે ઉમેશ ઘાયલ હાલતમાં જમીન પર પડ્યો હતો ત્યારે આખરે સાબીરે જઈને તેને ફરીથી ગોળી મારી દીધી હતી. આ હત્યાકાંડમાં પોલીસે અતીકના પુત્રો અસદ, ગુલામ, ઉસ્માન અને અન્ય એક બદમાશને એન્કાઉન્ટરમાં માર્યો છે. ત્યારે આ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદ અને અશરફની પણ ૧૫ એપ્રિલે પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી.