- રાહુલ ગાંધી ૧૦ દિવસ અમેરિકામાં રહેશે.
નવીદિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીત્યા બાદથી કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધી ૩૦ મેના રોજ અમેરિકા જવાના છે. રાહુલ ગાંધી ૧૦ દિવસ અમેરિકામાં રહેશે. કોંગ્રેસ નેતાની આ મુલાકાત એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૨ જૂને અમેરિકા જવાના છે, પરંતુ તે પહેલા રાહુલ ગાંધીએ અમેરિકા જવાનો પ્લાન બનાવી લીધો છે. આ દરમિયાન પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેરમાં એક રેલી દ્વારા ૫૦૦૦ ભારતીયો સાથે જોડાશે અને તેમને સંબોધિત કરશે.
અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી વોશિંગ્ટન અને કેલિફોર્નિયામાં પેનલ ચર્ચામાં પણ ભાગ લેશે. આ સિવાય તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વક્તા તરીકે લોકોની વચ્ચે હાજર રહેશે. રાહુલ ગાંધીની આ મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે કારણ કે ૨૨ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં વ્હાઇટ હાઉસના મહેમાન તરીકે હાજર રહેવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન અને તેમની પત્ની પીએમ મોદીનું સ્વાગત કરશે. વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસમાં ડિનર લેશે. વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે જ વડાપ્રધાનની મુલાકાતનું પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અગાઉ લંડનની મુલાકાતે હતા જ્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પીએમ મોદીની ટીકા કરતું ભાષણ આપ્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના નિવેદન બદલ કોંગ્રેસના હરીફ પક્ષોએ આકરા પ્રહારો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓએ કેમ્બ્રિજમાં આપેલા ભાષણ માટે રાહુલ ગાંધીની ટીકા કરી હતી. એટલું જ નહીં, આના કારણે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો.