નડ્ડા કર્ણાટકમાં હારનો રિપોર્ટ પીએમને સોંપશે:કર્ણાટક પ્રદેશ ભાજપના જવાબોથી કેન્દ્રીય નેતૃત્વ સંતુષ્ટ નથી; પરિણામો માટે જવાબદારી નક્કી કરાશે

નવીદિલ્હી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા આ અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્ણાટકમાં શરમજનક હારનો રિપોર્ટ સોંપશે. પાર્ટીએ આ હારને સામૂહિક નિષ્ફળતાની શ્રેણીની બહાર રાખી છે. એટલે કે, આ માટે દરેકને દોષિત ઠેરવવામાં આવશે નહીં, પરંતુ હારના તમામ કારણો અને ભૂલો માટે જવાબદારી નિશ્ર્ચિત કરવામાં આવશે.

ભાજપના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ચૂંટણી વ્યવસ્થાપનમાં આવી ઘણી ખામીઓ વારંવાર સામે આવી છે, જેના વિશે પાર્ટીના ટોચના નેતૃત્વએ સતર્ક કર્યા હતા. યેદિયુરપ્પાને સીએમ પદ પરથી હટાવવાથી લઈને સીએમ બસવરાજ બોમ્માઈને ફ્રી હેન્ડ ન આપવા સુધી, ટીકીટની વહેંચણીમાં સમસ્યાઓ અને નેતાઓ વચ્ચેની લડાઈ સુધી, મુદ્દાઓને ઠીક કરવા માટે જવાબદાર ટીમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બાબતે કેન્દ્રીય નેતૃત્વને જણાવાયું નહોતું.

સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વ તરફથી પૂછવામાં આવ્યું કે જેડીએસના મતોમાં થયેલા ઘટાડાનો ફાયદો ભાજપને કેમ નથી મળ્યો. લિંગાયત મત કેવી રીતે તૂટ્યા અને કર્ણાટકમાં ભાજપ શા માટે તેના ભૂતકાળના પ્રદર્શનનું પુનરાવર્તન ન કરી શક્યું? આ અંગે કર્ણાટક ભાજપ તરફથી કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી.

ચૂંટણી વ્યવસ્થાપન સાથે જોડાયેલા લોકોએ દરેક સકારાત્મક મુદ્દા ગુમાવ્યા અને માની લીધું કે પીએમ નરેન્દ્ર મોદીના બળ પર સત્તામાં પાછા આવીશું. જ્યારે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં PMએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે માત્ર મોદીના ભરોસે ચૂંટણી જીતવાનું વિચારશો નહીં.

કર્ણાટકમાં હાર સાથે ભાજપના મિશન દક્ષિણનો પાયો ડગમગી ગયો છે. દેશના રાજકારણમાં દક્ષિણના ૫ રાજ્યો (કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્ર અને તેલંગાણા)નો હિસ્સો લગભગ ૨૨-૨૪% છે. દક્ષિણ ભારતમાં લગભગ ૯૦૦ વિધાનસભા બેઠકો અને ૧૩૦ લોક્સભા બેઠકો છે.

ભાજપ પાસે હાલમાં દક્ષિણમાંથી ૨૯ સાંસદો છે અને તેણે આ વખતે લોક્સભાની ૬૦ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ આ રીતે ભાજપ માટે સૌથી મોટો પડકાર દક્ષિણમાં કોઈ મજબૂત સ્થાનિક નેતાની ગેરહાજરી છે. કર્ણાટકમાં યેદિયુરપ્પાના રૂપમાં એકમાત્ર મજબૂત નેતા છે, પરંતુ તેમણે પણ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.