દેશને જલ્દી જ નવી સંસદ ભવન મળી શકે છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ૨૮ મેના રોજ કરે તેવી શકયતા

નવીદિલ્હી, દેશને ટૂંક સમયમાં સંસદની નવી ઇમારત મળવા જઇ રહી છે. સંસદ ભવનનું ઉદ્ઘાટન આ મહિને જ થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ૨૮ મેના રોજ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે, ૨૬ મે, ૨૦૧૪ના રોજ નરેન્દ્ર મોદીએ પ્રથમ કાર્યકાળ માટે શપથ લીધા હતા, ત્યારબાદ તેમણે ૩૦ મેના રોજ પોતાના બીજા કાર્યકાળના શપથ લીધા હતા. આવી સ્થિતિમાં તેમના કુલ કાર્યકાળના નવ વર્ષ પૂર્ણ થવા પર નવા સંસદ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન થઈ શકે છે. આ માટે કડક અને નવી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. માર્ચ મહિનાની શરૂઆતમાં પીએમ મોદીએ અચાનક નવા સંસદ ભવનની મુલાકાત લીધી હતી અને કામકાજ નિહાળ્યું હતું. તેમણે અહીં એક કલાકથી વધુ સમય સુધી તમામ બાબતોની વિગતો લીધી, લોક્સભાના સ્પીકર ઓમ બિરલા પણ તેમની સાથે હાજર હતા.

મોદીએ ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો અને ગુરુવારે નવા સંસદ ભવનનું કામ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદના બંને ગૃહોમાં ઉપલબ્ધ સુવિધાઓ પણ જોઈ. પીએમએ નિર્માણ કાર્યમાં રોકાયેલા કામદારો સાથે પણ વાતચીત કરી.

માહિતી અનુસાર, આ કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સને ૨૦૨૦માં ૮૬૧.૯ કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો હતો. જેની કિંમત પાછળથી વધારીને લગભગ ૧,૨૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી હતી. નવા સંસદભવનમાં લોક્સભાના માળની યોજના રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર રાખવામાં આવી છે. નવી ઇમારત જૂના સંસદ ભવન કરતાં ૧૭,૦૦૦ ચોરસ મીટર મોટી છે. એટલું જ નહીં, આ બિલ્ડિંગ સંપૂર્ણપણે ભૂકંપપ્રૂફ છે, જેની ડિઝાઇન ’ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા તૈયાર કરવામાં આવી છે, તેના આકટેક્ટ બિમલ પટેલ છે. સંસદના નવા બિલ્ડીંગમાં એક સાથે ૧૨૦૦થી વધુ સાંસદોને બેસવાની સુવિધા આપવામાં આવી હતી. જેમાં લોક્સભામાં ૮૮૮ સાંસદો અને રાજ્યસભામાં ૩૮૪ સાંસદો બેસી શકે છે. નવા બિલ્ડીંગમાં એક સુંદર સંવિધાન હોલ પણ બનાવવામાં આવ્યો છે.

આ નવી સંસદ ભવન ૧૩ એકરમાં બનેલ છે. તે રાષ્ટ્રપતિ ભવનથી થોડે દૂર સ્થિત છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનેલી સંસદમાં ચાર માળની ઇમારત છે જેમાં લાઉન્જ, લાઇબ્રેરી, કમિટી હોલ, કેન્ટીન અને પાકગની સુવિધા પણ આપવામાં આવી છે.

હકીક્તમાં, દેશનું હાલનું સંસદ ભવન ૯૫ વર્ષ પહેલા ૧૯૨૭માં બનાવવામાં આવ્યું હતું અને માર્ચ ૨૦૨૦માં સરકારે સંસદને જણાવ્યું હતું કે જૂની ઇમારતનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તેની હાલત ધીમે ધીમે બગડી રહી છે. નવું સંસદ ભવન પણ બાંધવામાં આવ્યું હતું કારણ કે જૂની ઇમારતમાં સાંસદો માટે પૂરતી બેઠકો નથી જે લોક્સભા બેઠકોના નવા સીમાંકન પછી વધશે. જેના કારણે સંસદ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે.