રોહિત, કોહલીને ટી -૨૦માંથી બાકાત રાખો, શાસ્ત્રી એ બીસીસીઆઇને સલાહ આપી

મુંબઈ, ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ બીસીસીઆઇને ખાસ સલાહ આપી છે. તેના મતે હવે વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી૨૦ ક્રિકેટમાંથી બહાર થઈ જવું જોઈએ. તે ઈચ્છે છે કે ભારત વિરાટ કોહલી અને રોહિત શર્માથી આગળ વધે અને ટી ૨૦ ઈન્ટરનેશનલમાં સારૂ પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને તક આપે. વર્તમાન આઇપીએલ સિઝનમાં યુવા ખેલાડીઓના પ્રદર્શનથી પ્રભાવિત શાસ્ત્રીએ ઇએસપીએન ક્રકઇન્ફોના એક કાર્યક્રમમાં કહ્યું, “આગામી ટી ૨૦ શ્રેણીમાં યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ, તેમને અનુભવ મેળવવાની છૂટ આપવી જોઈએ. પસંદગીકારોએ અત્યારથી જ તેના પર કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.ઉલ્લેખનીય છે કે યશસ્વી જયસ્વાલ, જીતેશ શર્મા, તિલક વર્મા અને પ્રભસિમરન સિંહ જેવા યુવા ખેલાડીઓએ આઈપીએલ ૨૦૨૩માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે.

શાસ્ત્રી કહે છે કે જો તે પસંદગીકાર હોત, તો તેણે આઇપીએલ પ્રદર્શનના આધારે ખેલાડીઓની પસંદગી કરી હોત, જ્યારે વિરાટ અને રોહિત જેવા મોટા ખેલાડીઓને રમતના લાંબા ફોર્મેટ માટે જાળવી રાખ્યા હોત. તેણે કહ્યું, “રોહિત, વિરાટ કોહલી જેવા ખેલાડીઓએ પોતાને સાબિત કર્યું છે અને તમે જાણો છો કે તેઓ શું છે. પરંતુ હું એવા યુવા ખેલાડીઓને આગળ લાવવા ઈચ્છું છું જેમણે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે જેથી તેમને તેમની યોગ્યતા સાબિત કરવાની તક મળે. વિરાટ અને રોહિત વનડે ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટમાં રમવા માટે યોગ્ય છે.

વિશ્ર્વની સૌથી મોટી ટી ૨૦ લીગ હોવા છતાં, ભારત છેલ્લા ૧૬ વર્ષથી ટી૨૦ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું નથી. ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૨માં રમાયેલી ટી ૨૦ વર્લ્ડમાં ભારત માત્ર સેમીફાઈનલમાં જ પહોંચી શક્યું હતું. આગામી વર્લ્ડ કપ ૨૦૨૪માં રમાવાનો છે અને શાસ્ત્રીનું માનવું છે કે ટોપ ઈવેન્ટ માટે ટીમની પસંદગી ખેલાડીઓના ફોર્મના આધારે થવી જોઈએ. તેણે કહ્યું, “એક વર્ષ લાંબો સમય છે. ખેલાડીઓ ફોર્મમાં પણ હોઈ શકે છે અને ક્યારેક ફોર્મ ખૂટતું પણ હોઈ શકે છે. તેથી તે સમયે તમારે શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવી પડશે, અલબત્ત અનુભવ મહત્વપૂર્ણ રહેશે. ફિટનેસ પણ મહત્વનું રહેશે. તમારે જોવું પડશે કે કોણ રંગમાં છે, કોણ સતત પ્રદર્શન કરી રહ્યું છે, કોણ રન બનાવી રહ્યું છે.

શાસ્ત્રીએ કહ્યું, “ટીમ પાસે યોગ્ય કામ માટે યોગ્ય વ્યક્તિ હોવી જોઈએ. એવું ન થાય કે પોતાની ફ્રેન્ચાઈઝી માટે ત્રણ કે ચાર પર બેટિંગ કરનાર ખેલાડીને અચાનક ભારતીય ટીમમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા અથવા દાવ ખોલવાનું કહેવામાં આવે. હું ડાબા હાથના જમણા હાથના બેટિંગ સંયોજનનું મિશ્રણ પણ જોવા માંગુ છું. જેમ તમે ડાબા હાથના બોલરોને શોધો છો, હું ત્યાં ડાબા હાથના બેટ્સમેનોને જોવા માંગુ છું.