અંબાતી રાયડુ, જેને ટીમે કરોડો રૂપિયામાં જાળવી રાખ્યો હતો પરંતુ તે ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી.

મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૩માં કેપ્ટન એમએસ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ચેન્નાઈએ આ સિઝનમાં અત્યાર સુધી ૧૩ મેચ રમી છે અને ૭ મેચમાં જીત મેળવીને તે પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને છે.આઇપીએલ ૨૦૨૩ ચેન્નાઈ ટીમના ખેલાડીઓએ એક્સાથે આવીને શાનદાર ટીમવર્ક સાથે ચેન્નાઈને સફળતાનો માર્ગ બતાવ્યો છે. જો કે આ સિઝનમાં ચેન્નાઈની ટીમમાં એક એવો ખેલાડી પણ છે જેણે અત્યંત ખરાબ પ્રદર્શન કર્યું છે અને તે ટીમ માટે માથાનો દુખાવો બની ગયો છે. આ ખેલાડીનું નામ છે અંબાતી રાયડુ, જેને ટીમે કરોડો રૂપિયામાં જાળવી રાખ્યો હતો પરંતુ તે ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી.

અંબાતી રાયડુને આઇપીએલ ૨૦૨૩ માટે ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. ૬.૭૫ કરોડમાં જાળવી રાખ્યો હતો, પરંતુ રાયડુનું તેની ટીમ માટે ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. અંબાતી રાયડુ આ સિઝનમાં ૧૨ મેચમાં ૧૫.૨૫ની એવરેજથી માત્ર ૧૨૨ રન જ બનાવી શક્યો છે. આ સિઝનમાં એક ઇનિંગમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૨૭ અણનમ રહ્યો છે અને તે આ સમગ્ર સિઝનમાં માત્ર ૮ ચોગ્ગા અને માત્ર ૬ છગ્ગા જ ફટકારવામાં સફળ રહ્યો છે. ચેન્નાઈને ગ્રુપ સ્ટેજમાં હજુ એક મેચ રમવાની બાકી છે અને રાયડુના ખરાબ પ્રદર્શનને જોતા ટીમ માટે તેને વધુ તક આપવી મુશ્કેલ લાગે છે. જો ચેન્નાઈ પ્લેઓફ એટલે કે ટોપ-૪માં પહોંચે છે, તો ટીમ આ મહત્વપૂર્ણ મેચોમાં અંબાતી રાયડુને તક આપશે, તે પણ મુશ્કેલ લાગે છે.

ગયા રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં મેચ હારવા છતાં ચેન્નાઈ બીજા સ્થાને છે. જો ચેન્નાઈ તેની છેલ્લી મેચ જીતી જાય છે, તો તેનું પ્લેઓફમાં સ્થાન નિશ્ર્ચિત થઈ જશે, પરંતુ જો ટીમ હારે છે, તો બીજી કેટલીક ટીમોની જીત અને હારના આધારે ટીમનો પ્લેઓફમાં જવાનો રસ્તો નક્કી થશે.