પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના કેસમાં દિલ્હી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કેટલાક લોકો વિરુદ્ધ એફઆઈર દાખલ કરી છે તેમજ 200થી વધુ તોફાની તત્વોની ધરપકડ પણ કરી લીધી છે. દિલ્હી પોલીસે પોતાની એફઆઈઆરમાં મેધા પાટકર, બૂટા સિંહ, યોગેન્દ્ર યાદવ સહિત 37 ખેડૂત નેતાઓને દિલ્હી હિંસા બદલ જવાબદાર ઠેરવ્યા છે.
દિલ્હી પોલીસે બુધવારે ખેડૂત નેતાઓ વિરુદ્ધ કરેલી એફઆઈઆર અંગે માહિતી આપતા જણાવ્યું કે 37 ખેડૂત નેતાઓ- મેધા પાટકર, બૂટા સિંહ, યોગેન્દ્ર યાદવ વગેરેને દિલ્હી પોલીસે ગઈકાલે થયેલી હિંસા બદલ જવાબદાર ઠેરવ્યા છે. પ્રજાસત્તાક દિવસની પરેડને અવરોધવા માટે ખેડૂતોની રેલી યોજવી તેમજ અગાઉ નક્કી થયેલા રૂટ પર અહમત થવા જેવા કાર્યો કરાયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ દ્વારા 200 જેટલા લોકોની ધરપરડ કરવામાં આવી છે અને તોફાન તેમજ અરાજકતાને લઈને અત્યાર સુધીમાં 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. દિલ્હીમાં ખેડૂતો સાથે હિંસક ઘર્ષણમાં 300થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
દેશના પાટનગરમાં હિંસા ફેલાવવાના મામલે દિલ્હી પોલીસે જે પોલીસ આગેવાનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે જેમાં રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, વીએમ સિંહ, વિજેન્દર સિંહ, હરપાલ સિંહ, વિનોદ કુમાર, દર્શન પાલ, રાજેન્દ્ર સિંહ, બલવીર સિંહ રાજેવાલ, બૂટા સિંહ, જગતાર બાજવા, જોગિંદર સિંહ ઉગરાહાંના નામનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં ગઈકાલે ખેડૂતોએ પોલીસે દર્શાવેલા રૂટ પર ટ્રેક્ટર પરેડ યોજવા આનાકાની કરી હતી અને ત્યારબાદ દિલ્હીની વિવિધ સરહદ પર રખાયેલા બેરિકેડ્સને ખેડૂતોએ તોડી પાડ્યા હતા અને છેક લાલ કિલ્લા સુધી પહોંચીને ભારે તોડફોડ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
ખેડૂત આંદોલનમાંથી બે યુનિયને પીછેહઠ કરી
કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનમાંથી બે યુનિયને પીછેહઠ કરી લીધી છે. મંગળવારે દિલ્હીમાં થયેલી હિંસાને પગલે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ઠાકુર ભાનુ પ્રતાપ સિંહે જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડ દરમિયાન જે કંઈ પણ બન્યું તેનાથી તેઓ ઘણા દુઃખી છે અને તેમું સંગઠન હવે વિરોધનો અંત લાવે છે. ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટીના વી એમ સિંહે જણાવ્યું કે વિરોધ પ્રદર્શનમાં કેટલાકની જુદી જુદી દિશા હોવાથી તેઓ પ્રવર્તમાન આંદોલનથી અલગ થઈ રહ્યા છે.