લોક્તંત્રને માત્ર ન્યાયતંત્ર જ બચાવી શકે છે : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન

  • વડા પ્રધાન શાહબાઝ શરીફનું અલ્ટીમેટમ- હિંસા કરનારાઓને ૭૨ કલાકમાં પકડો.

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને જેલમાંથી છૂટ્યાના ૧૮ કલાક બાદ દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની લોકશાહી એક દોરામાં લટકેલી છે. માત્ર ન્યાયતંત્ર જ તેને બચાવી શકે છે. ઇમરાને વધુમાં કહ્યું કે, તેમને જેલમાં જતા બચાવવા માટે તેઓ ન્યાયતંત્રનો આભાર માને છે. હું એ તમામ લોકોનો પણ આભાર માનું છું જેમણે મને શાંતિપૂર્ણ રીતે ટેકો આપ્યો.

તે જ સમયે, વડા પ્રધાન શાહબાઝ શરીફે ખાનની ધરપકડ સમયે હિંસા ફેલાવનારાઓની ૭૨ કલાકમાં ધરપકડ કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને એક દાખલો બેસાડવામાં આવશે. આ સિવાય પાકિસ્તાનના ઘણા ભાગોમાં લોકો હજુ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શક્તા નથી.

અગાઉ, ખાનને ઈસ્લામાબાદ અને લાહોર હાઈકોર્ટમાંથી એક સાથે ૩ રાહત મળી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમને અલ કાદિર યુનિવર્સિટી કેસમાં બે અઠવાડિયા માટે જામીન આપ્યા હતા. સાથે જ કોર્ટે કહ્યું- ખાનની ૧૭ મે સુધી કોઈપણ કેસમાં ધરપકડ કરી શકાય નહીં.

તે જ સમયે, લાહોર હાઈકોર્ટે પૂર્વ પીએમને ૪ કેસમાં ૨૨ મે સુધી જામીન આપતાં તેમની ધરપકડ પર ૧૫ મે સુધી રોક લગાવી દીધી છે. જેલમાંથી પરત ફર્યા બાદ પણ ઈમરાન ખાને સેના પર નિવેદનબાજી ચાલુ રાખી હતી. તેમણે કહ્યું- સેનામાં લોકશાહી જેવું કંઈ નથી. આ બધું આર્મી ચીફના કહેવા પર થયું છે. તેમને ડર છે કે જો હું સત્તામાં આવીશ તો તેમને હટાવી દઈશ. જોકે હું આ કરવા જઈ રહ્યો નથી અને આ મેં તેમને કહ્યું છે. હું સેના અને તેમના વડા સાથે સારા સંબંધો ઈચ્છું છું.

બીજી બાજુ, શુક્રવારે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું- અમે દેશમાં માર્શલ લૉ લગાવીશું નહીં. અમે લોકશાહીમાં માનીએ છીએ. પાકિસ્તાન કેબિનેટમાં ઈમર્જન્સીના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ પહેલાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યા બાદ ઈમરાન તેની નકલ લેવા માટે ૧૦.૩૦ વાગ્યા સુધી કોર્ટમાં હતો. આ પછી તેઓ પોતાની સુરક્ષા ટીમ સાથે લાહોર જવા રવાના થયા હતા.

ઈમરાનને આટલી રાહત મળવા પર ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે જિયો ન્યૂઝને કહ્યું- એવો દેશ છે કે દુનિયાના ઈતિહાસમાં ક્યારેય કોઈ આરોપીને એક્સાથે અને બિનશરતી આટલી રાહત આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ખુરસી પરથી ઊભા થાય છે અને ઈમરાનનું સ્વાગત કરે છે. જામીન પછી તેમને કહે છે- તમને શુભકામનાઓ.